ઓલપાડની કાંઠા વિસ્તાર સ્થિત મોર હાઈસ્કૂલમાં ધોરણ 10 નાં વિદ્યાર્થીઓનો વિદાય તથા ઈનામ વિતરણ સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : મોર વિભાગ કેળવણી મંડળ સંચાલિત ઓલપાડની કાંઠા વિસ્તાર સ્થિત મોર હાઈસ્કૂલમાં ધોરણ 10 નાં વિદ્યાર્થીઓનો વિદાય તથા ઈનામ વિતરણ સમારંભ ગત શુક્રવારનાં રોજ યોજવામાં આવ્યો હતો. વિધાર્થીઓને આખું વર્ષ અભ્યાસ કર્યા બાદ સમયસર પરીક્ષા પૂર્વેની તૈયારી અંગેનું જરૂરી માર્ગદર્શન મળી રહે એવાં શુભ હેતુસર યોજાયેલ આ કાર્યક્રમમાં ઓલપાડનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, મોર વિભાગ કેળવણી મંડળનાં પ્રમુખ સંજય મોરકર, મંત્રી સુભાષ પટેલ, સહમંત્રી ડો.કિરીટ પટેલ તથા મોર ગામનાં ઉપસરપંચ રાજ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
સમારંભનાં મુખ્ય મહેમાન એવાં ઓલપાડનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે પરિશ્રમથી સફળતા મળે જ મળે. આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવી એ પણ એક ઉત્સવ જ છે, તેને આનંદભેર માણો અને ઉજજવળ કારકિર્દીનું નિર્માણ કરવામાં સફળ બનો. મોર વિભાગ કેળવણી મંડળનાં પ્રમુખ સંજય મોરકરે વિધાર્થીઓને પોતાનાં મગજમાંથી ખોટો ડર દૂર કરી સ્વસ્થતા અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો.
પ્રારંભે શાળાનાં આચાર્ય પરેશભાઈ જી. વસાવાએ આમંત્રિત મહેમાનો અને વાલીજનોને શાબ્દિક આવકાર આપ્યો હતો. પ્રાર્થના અને દીપ પ્રજ્વલન બાદ વર્ષ દરમિયાન શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિઓ ક્ષેત્રે સિદ્ધિને વરેલ શાળાનાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનોનાં હસ્તે પ્રોત્સાહક ઈનામ અર્પણ કરવામાં આવ્યા હતાં. અંતમાં શાળાનાં પ્રાથમિક વિભાગનાં આચાર્ય ધર્મેશ પટેલે ધોરણ 10 નાં વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાનાં મદદનીશ શિક્ષક દિલીપભાઈ ચૌધરીએ કર્યુ હતું.