ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષ સ્થાને બુહારી ખાતે વિકસિત ભારત–વિકસિત ગુજરાત અંતર્ગત ‘નારી શક્તિ વંદના’ કાર્યક્રમ યોજાયો
સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે અનેકવિધ યોજનાઓ લાગુ કરી આર્થિક,સામાજિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી ચિંતા કરી છે-ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા
–
મહાનુભાવોના હસ્તે સ્વ-સહાય જૂથની મહિલાઓને વિવિધ સહાય-લાભો-સન્માનપત્રો એનાયત કરી લાભાન્વિત કરવામાં આવ્યા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૬ આજે સમગ્ર દેશ અને ગુજરાત સહિત તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત–વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકા પંચાયત મહુવા,તાલુકા પંચાયત બારડોલી તથા તાલુકા પંચાયત વાલોડની મહિલાઓ તથા સ્વસહાય જુથની બહેનો ઉપસ્થિત રહી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાએ મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રીના કુશળ નેતૃત્વ હેઠળ આજે ગુજરાત રાજ્ય સહિત ભારતભરની મહિલાઓ આત્મનિર્ભર બની છે. આજે વડાપ્રધાનશ્રીએ ગરીબ પરિવારો સહિત મહિલાઓને સમાજમાં કુશળ અને સક્ષમ બનાવવાની નેમ લીધી છે.ત્યારે સૌ બહેનો પોતાનામાં રહેલી કાર્યદક્ષતા બતાવી વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવું જોઇએ.
વધુમાં ઉમેર્યું હતું કે સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે અનેકવિધ યોજનાઓ લાગુ કરી આર્થિક,સામાજિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી ચિંતા કરી છે. બહેનો આત્મનિર્ભર બને તે માટે સખીમંડળો, સ્વસહાય જૂથની રચના કરી વિવિધ કાર્યક્ષેત્રમાં જોડી છે. જેના થકી આજે બહેનો પોતાના પગ ઉપર ઉભી થઈ પોતાના પરિવાર સહિત પોતાના સમાજને મદદરૂપ બનીને આગળ વધી રહી છે.
મહિલાઓને આર્થિક, સામાજિક રીતે સમાજમાં પગભર બનાવવા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેક યોજના અમલી બનાવી છે. આજે દેશની દરેક મહિલા પુરુષના સમોવડી બની સમાજમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) અંતર્ગત સ્વ-સહાય જૂથની મહિલાઓને વિવિધ સહાય તથા સન્માન પત્રો આપી લાભાન્વિત કરવામાં આવ્યા હતા.તેમજ સખી મંડળની બહેનોએ પોતાની સફળતાની વાતો રજુ કરી હતી. વિવિધ શાળાની બાળાઓ દ્વારા પ્રાથનાગીત,સ્વાગત ગીત,તથા વિવિધ નૃત્યો રજુ કરવામાં આવ્યા હતા.આ સાથે ક્વીઝ કોમ્પીટીશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
નોધનિય છે કે, વિકસિત ભારત–વિકસિત ગુજરાત અંતર્ગત ‘નારી શક્તિ વંદના’ કાર્યક્રમને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ ખાતેથી કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ હેઠળ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્ચુઅલ માધ્યમથી સમગ્ર રાજ્યમાં ૧૩ હજારથી વધુ સ્વ-સહાય જૂથની ૧.૩૦ લાખથી વધુ મહિલાઓને રૂ.૨૫૦ કરોડથી વધુની સહાય અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી આર.આર.બોરડ,વાલોડ, મહુવા ટીડીઓશ્રીઓ, વાલોડ, મહુવા મામલતદારશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યોશ્રીઓ, સહિત અન્ય પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં વાલોડ, મહુવા અને બારડોલી તાલુકા પંચાયતની બહેનો ઉપસ્થિત રહી હતી.
000000