આંતરરાષ્ટ્રીય મહિલા દિને તાપી જિલ્લાની બહેનો પહોચશે નવી દિલ્હી: લેશે રાષ્ટ્રપતિ ભવનના “અમૃત ઉદ્યાન”ની મુલાકાત: મળશે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને

Contact News Publisher

અનુસુચિત જનજાતિ સમુદાયના સ્વ-સહાય જૂથોના મહિલા સભ્યોને નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનના “અમૃત ઉદ્યાન”ની મુલાકાત પ્રવાસમાં સામેલ થતી તાપી જિલ્લાની સખી મંડળની ૧૫ બહેનો

સખી મંડળના માધ્યમ થકી ગામડાથી નિકળી છેક દિલ્હી રાજભવન જવાનો મોકો મળ્યો છે.- ખુશી સખી મંડળના સભ્ય લતાબેન ગામીત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૬: ફેબ્રુઆરી-માર્ચ માસ દરમિયાન નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનને સામાન્ય જનતા માટે ખુલ્લું મુકવામાં આવે છે. જે અંતર્ગત ખાસ વિકલાંગ વ્યક્તિઓ, સંરક્ષણ કર્મચારીઓ, અર્ધ લશ્કરી દળો અને પોલીસ કર્મચારીઓ, મહિલા અને આદિજાતિ સમુદાયના સ્વ-સહાય જૂથોની મહિલા તેમજ દિલ્હી NCR અને તેની આસપાસના અનાથાલયોના બાળકોને અમૃત ઉદ્યાનની ખાસ મુલાકાત કરાવવામાં આવે છે.

આ કાર્યક્રમ અન્વયે આગામી તારીખ ૮ માર્ચ ૨૦૨૪ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન’ના રોજ રાજ્યના આદિજાતિ સમુદાયના સ્વ સહાય જૂથોને પ્રાથમિકતા આપીને મહત્તમ મહિલા સભ્યોને અમૃત ઉદ્યાનની મુલાકાત કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના તાપી, ડાંગ, સુરત, નવસારી, ભરૂચ, વલસાડ એમ ૬ જિલ્લાના કુલ-૮૫ જેટલી મહિલા સભ્યોને નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનની મુલાકાત માટે જવાનો અવસર મળ્યો છે.

તાપી જિલ્લામાંથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત મિશન મંગલમ યોજના હેઠળ વિવિધ સખી મંડળની કુલ-૧૫ બહેનો આજે અમૃત ઉદ્યાનની મુલાકાત પ્રવાસમાં જોડાઇ છે. આ કાર્યક્રમમાં સામેલ થયેલા વ્યારા તાલુકાના નાની ચીખલી ગામના ખુશી સખી મંડળના સભ્ય લતાબેન ગામીતે પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં ગામડાની બહેનો પોતાના ઘર ગામથી બહાર પણ ન હોતી નિકળતી. આજે અમારા જેવી બહેનોને સખી મંડળના માધ્યમ થકી ગામડાથી નિકળી છેક દિલ્હી રાજભવન જવાનો મોકો મળ્યો છે. જે અમારા માટે અદભુત અને સાહસકારક કાર્ય છે. બહેનો આવી રીતે દેશ અને દુનિયામાં બહાર ફરી શકે નવા નવા અનુભવ કરી શકે અને આગળ વધી શકે તેવી અમને સૌને તક મળી છે તેના માટે હું તમામ બહેનો વતી સરકારશ્રી અને મિશન મંગલમ યોજના, તાપીનો આભાર વ્યક્ત કરૂ છું.
૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other