વ્યારા ખાતે યોજાયેલા દક્ષિણ ઝોન કક્ષાના ખેલ મહાકુંભ ૨.૦ ની ખો–ખો સ્પર્ધા ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓનુ ઉત્કૃષ્ટ પ્રદર્શન
અંડર-૧૪ અને અંડર-૧૭ ખો-ખો રમતમા ભાઇઓએ ગોલ્ડ અને બહેનોએ સિલ્વર મેડલ મેળવ્યો
–
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૪: તાજેતરમા ચાલી રહેલા દક્ષિણ ઝોન કક્ષાના ખેલ મહાકુંભ ૨.૦ ની ખો-ખો સ્પર્ધામાં અંડર-૧૪ અને અંડર-૧૭ ખો-ખો રમતમા ભાઇઓએ ગોલ્ડ અને બહેનોએ સિલ્વર મેડલ મેળવી ડાંગ જિલ્લાનુ ગૌરવ વધાર્યું છે.
દક્ષિણ ગુજરાતના સાત જિલ્લા અને એક મહાનગર પાલિકા સાથે ૮ ટીમોની સ્પર્ધા તાપી જિલ્લાના વ્યારા ખાતે યોજાઇ હતી. જેમાં અંડર-૧૪ ખો-ખોમાં ડાંગ જિલ્લાના ભાઇઓએ ગોલ્ડ મેડલ અને બહેનોએ સિલ્વર મેડલ, જ્યારે અંડર-૧૭ ખો-ખોમાં ડાંગ જિલ્લાના ભાઇઓએ ગોલ્ડ અને બહેનોએ સિલ્વર મેડલ મેળવી જિલ્લાનુ નામ રોશન કર્યું છે.
આ ચારેય ટીમો આગામી મે માસમાં યોજાનારી રાજયકક્ષાની સ્પર્ધામાં દક્ષિણ ગુજરાત ઝોનનું પ્રતિનિધિત્વ કરશે.
ડાંગ જિલ્લાની અંડર-૧૪ ભાઇઓની પસંદગીની ટીમમાં પ્રાથમિક શાળા-બીલીઆંબાના ૮ ખેલાડી, સરકારી માધ્યમિક શાળા/બીલીઆંબાના ૩ ખેલાડી અને ગોંડલવિહિર પ્રાથમિક શાળાનો ૧ ખેલાડી પસંદ થયા હતા. જ્યારે ડાંગ જિલ્લાની બહેનોની પસંદગીની ટીમમાં પ્રાથમિક શાળા-બીલીઆંબાના ૭ ખેલાડી, જામનવિહિર પ્રાથમિક શાળાના ૩ તથા સરકારી માધ્યમિક શાળા-બીલીઆંબાના ૧ ખેલાડી અને ગોંડલવિહિર પ્રાથમિક શાળાનો ૧ ખેલાડી પસંદ થયા હતા.
ડાંગ જિલ્લાની અંડર ૧૭ ભાઇઓની પસંદગીની ટીમમાં સરકારી માધ્યમિક શાળા બીલીઆંબાના ૯ ખેલાડી, સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-સુબીરના ૩ ખેલાડી પસંદ થયા હતા. જયારે ડાંગ જિલ્લાની બહેનોની પસંદગીની ટીમમાં સરકારી માધ્યમિક શાળા-બીલીઆંબાના ૯ ખેલાડી, એકલવ્ય મોડલ રેસિડન્ટસ્કુલ-ચિંચલીના ૩ ખેલાડી પસંદ થયા હતા.
બાળકોની આ સિદ્ધી બદલ શાળા પરીવાર તરફથી બાળકોને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જિલ્લા રમતગમત વિકાસ ધિકારીશ્રી અંકુર જોશી, જિલ્લા શિક્ષણાધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જિગ્નેશભાઇ ત્રિવેદીએ પણ આનંદની લાગણી સાથે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
–