ઉજાશ ભણી કાર્યક્રમ અંતર્ગત ઓલપાડની ડભારી પ્રાથમિક શાળામાં વિશેષ વક્તવ્ય યોજાયુ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : એડોલેશન્ટ એજયુકેશન પ્રોગ્રામ અંતર્ગત ભારત સરકારનાં આયુષ્યમાન ભારત કાર્યક્રમ અન્વયે કાર્યરત School Health & Wellness Programme અંતર્ગત ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ડભારી પ્રાથમિક શાળામાં ‘ઉજાશ ભણી’ કાર્યક્રમ હેઠળ વિશેષ વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.
સદર કાર્યક્રમ અંતર્ગત દિહેણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં ડૉ. જ્ઞાતિકાબેન, અદાણી ઉત્થાન ફાઉન્ડેશનનાં અલકાબેન, ડભારી પંચાયતનાં વહીવટદાર ચંદ્રિકાબેન તથા તલાટી કમ મંત્રી અનિલભાઈ, મોરટુંડા શાળાનાં આચાર્ય તેજસભાઈએ શાળામાં ઉપસ્થિત રહીને બાળકોને એચ.આઈ.વી.ની રોકથામ અને વ્યક્તિગત સ્વચ્છતા, નશીલા પદાર્થોનાં દૂરઉપયોગની અને રોકથામ વ્યવસ્થાપન, હિંસા અને ઈજાઓ સામે સલામતી અને સુરક્ષા અને આંતર વૈયક્તિક સબંધો, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનાં સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવું તથા આરોગ્યપ્રદ જીવનશૈલીનાં પ્રસાર અંગે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરુ પાડ્યું હતું.
વક્તાઓએ બાળકો સાથે પરસ્પર ચર્ચા હાથ ધરી તેમની જિજ્ઞાસાવૃત્તિ સંતોષી હતી. અંતમાં શાળાનાં આચાર્ય જગદીશભાઈ પટેલે કાર્યક્રમમાં યોગદાન આપનાર તમામ વક્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.