ડાંગ જિલ્લામાં આંબાનાં રોપા વિતરણમાં બનાસકાંઠાની એક એજન્સી દ્વારા 22 લાખની ઉચાપત કરતા પોલીસ ફરીયાદ નોંધાઈ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લામાં પ્રાયોજના વહીવટદારની કચેરી હસ્તકની સંકલીત આદિજાતિ વિકાસ યોજના હેઠળ કરારથી ફળાઉ ઝાડાના રોપા વિતરણની કામગીરી બનાસકાંઠાની એક એજન્સીને સોંપવામાં આવી હતી.પરંતુ એજન્સી દ્વારા મોટા પાયે ગેરેરીતિ આચરવામાં આવેલ હોવાનું સામે આવ્યુ છે.આ એજન્સી દ્વારા અંદાજીત 22 લાખ કરતાની વધુ ઉચાપત કરવામાં આવી છે.જેને લઈને ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદાર કચેરીનાં જિલ્લા કો ઓર્ડીનેટર દ્વારા જવાબદાર એજન્સી વિરુદ્ધ આધાર પુરાવા સાથે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદારની કચેરી હસ્તકની સંકલિત આદિજાતિ વિકાસ યોજના હેઠળ આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને સારી આવક મળી રહે અને તેઓનું જીવન ધોરણ ઉંચુ આવે તે હેતુથી ફળાઉ ઝાડ આંબાનાં રોપા વિતરણ યોજનાથી અમલમાં મુકવામાં આવેલ હતી.જે અંગેની યોજના માટેની કામગીરી કરવા માટે વર્ષ 2020 – 21,2021-22 અને 2022-23 માટે જન જાગૃતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ નરસિંહભાઇ ગણેશભાઇ પટેલ(રહે.ચોટાપા ,થરાદ જી.બનાસકાંઠા) ને વહીવટી મંજૂરી આપી કામગીરી સોંપવામાં આવી હતી.પરંતુ આ એજન્સી દ્વારા ફળાવ આંબાનાં વિતરણમાં મોટાપાયે ગેરીરીતી આચરવામાં આવેલ હોવાની અનેક વખત ફરિયાદ ઉઠી હતી.તેમજ આ બાબતે સામાજીક આગેવાનો દ્વારા પણ આર.ટી.આઈની સાથે લેખિતમાં પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી.જે બાદ સમગ્ર મામલાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.ત્યારે તપાસમાં સામે આવ્યુ હતુ કે કુલ 662 લાભાર્થીઓને 25,780 નંગ ફળાઉ ઝાડના રોપાઓ(કલમો) પૈકી 5,418 ફળાઉ ઝાડના રોપાઓનું જ વિતરણ કરાયુ હતુ.અને બાકી ફળાઉ ઝાડના રોપા નંગ-13,322 વિતરણ કરવામાં જ નથી આવ્યા. ત્યારે આ ફળાઉ ઝાડના રોપા નંગ-13,322 જેની કિંમત રૂપિયા 22,57,210/- ની ગેરરીતી આચરવામાં આવી હોવાનું સામે આવ્યુ છે.અને આદિજાતિ ખેડૂતોનાં નામે એજન્સી દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોવાનું ખુલ્યુ છે.આ સમગ્ર મામલો સામે આવતા ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા ફરિયાદી તરીકે વિશાલભાઈ ડી.ચૌહાણ જિલ્લા કો ઓર્ડીનેટર ડી-સેગને અધિકૃત કરતા આ અધિકારીએ આદિજાતિ ખેડૂતોનાં નામે લાખો રૂપિયાની ઉચાપત કરનાર જન જાગૃતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ નરસિંહભાઇ ગણેશભાઇ પટેલ(રહે.ચોટાપા ,થરાદ જી.બનાસકાંઠા) વિરુદ્ધ આહવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.હાલમાં ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદાર કચેરીનાં જિલ્લા કો ઓર્ડીનેટરની ફરીયાદનાં આધારે આહવા પોલીસે આ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ.એ.એચ પટેલે હાથ ધરી છે.ત્યારે આવનાર દિવસોમાં આ સમગ્ર કેસ કેવો વળાંક લેશે તે હવે પોલીસ તપાસ બાદ જ માલુમ પડશે..