મિલેટ એક્ષ્પોમાં નાળિયેલીના રેસામાંથી બનાવેલી વસ્તુઓનું વેચાણ કરતી તાપી જિલ્લાની સ્નેહાસખી મંડળની બહેનોઃ
વ્યારા તાલુકાના બોરખડી ગામના સ્નેહાસખી મંડળની બહેનો મિશન મંગલમ યોજના થકી બની આત્મનિર્ભર
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.02: સરકાર દ્વારા અમલી જનકલ્યાણકારી યોજનાઓથી રાજ્યમાં છેવાડે વસતા અદના માનવીઓ પણ સ્વમાનભેર જીવન વ્યતિત કરી રહ્યા છે. સશક્ત સમાજના નિર્માણ માટે મહિલાઓનું સશક્તિકરણ કરવું પણ એટલું જ જરૂરી છે. રાજ્યની મહિલાઓ આર્થિક રીતે પગભર બની મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બને એ માટે સરકાર દ્વારા અમલી ‘મિશન મંગલમ યોજના’એ રાજ્યની લાખો મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવી છે.
તાપી જિલ્લાના છેવાડે આવેલા વ્યારા તાલુકાના બારખડી ગામની આત્મનિર્ભરતાને વરેલી બહેનોની વાત કંઇક નિરાળી છે. કોઈ દિવસ ઘરનો ઉંબરો ન ઓળંગતી બોરખડી ગામની મહિલાઓ આજે મિશન મંગલમ’ના પ્રતાપે સ્નેહા સખી મંડળની સ્થાપના કરીને સ્વરોજગારી મેળવી રહી છે. ગામનો સીમાડા વટાવી તાલુકા અને જિલ્લા કક્ષા સુધી જઈ આ બહેનો પોતાનામાં રહેલી પ્રતિભાનો પરિચય કરાવી રહી છે.
શ્રી દયાળજી અનાવિલ કેળવણી મડળ દયાળજી દેસાઇ ચોક, મજુરાગેટ, સુરત ખાતે આયોજિત મિલેટ એક્ષ્પો સ્ટોલ લગાવી પોતાની પ્રોડક્ટનું વેચાણ કરતાં મંડળના પ્રમુખશ્રી જયશ્રીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે,પહેલા ખેતરમાં કામ કરી પોતાના પરિવારનું ગુંજરાન ચલાવતા હતા.ત્યારે અન્ય ગામની બહેનોને પાસેથી સખીમંડળની રચના અને તેના ફાયદા વિશે તમામ માહિતી મેળવી હતી. ત્યારબાદ અમે ૧૦ બહેનોએ મળી સ્નેહા સખી મંડળની રચના કરી.જેમાં અમે નાળિયેળના રેસામાંથી ગણપતિબાપાની મુર્તી,ચકલીનો માળો, લટકણા, તોરણ વગેરે ૫૦થી વધુ વસ્તુઓ બનાવીએ છીએ.જે વિવિધ મેળાઓ થકી સ્ટોલ લગાવી વેચાણ કરીએ છીએ,જેનાથી સારૂ એવું આર્થિક ઉપાર્જન પ્રાપ્ત થાય છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારની ‘મિશન મંગલમ યોજના’ હેઠળ મંડળને ૧ લાખની લોન પણ મળી છે. હાલમાં તમામ બહેનો મહિને ૪ હજારની રોજગારી મળેવી પોતાના પરિવાર આર્થિક રીતે સહાયરૂપ બની આત્મનિર્ભર બની છે. મિશન મંગલમ યોજનાએ અમને ઉડવા માટે પાંખો આપી છે, હવે અમને ઉંચી ઉડાન ભરતા કોઈ રોકી શકશે નહી એમ તેમણે ઉમેર્યું હતું.
-0000000-