તાપી જિલ્લા કલેક્ટરની પ્રેરક ઉપસ્થિતિમાં દક્ષિણ ઝોનના ખેલ મહાકુંભ 2.0 નું ઉદ્ઘાટન
દક્ષિણ ઝોનના ખેલાડીઓ ખોખો, વોલીબોલ અને કબડ્ડી જેવી સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભાનો પરિચય આપશે
–
વ્યારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ખેલ મહાકુંભ 2.0 નું આયોજન
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૯ તાપી જિલ્લાના વ્યારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લાના સમાહર્તા કલેક્ટર શ્રી ડો. વિપિન ગર્ગની વિશેષ ઉપસ્થિતિમાં ખેલ મહાકુંભ 2.0 નું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ખેલ મહાકુંભ 2.0 માં દક્ષિણ ઝોનના રમતવીરો ખો ખો, વોલીબોલ અને કબડ્ડી જેવી રમતોમાં પોતાની પ્રતિભાનો પરિયય આપશે.
આ ખાસ સ્પર્ધામાં ખેલાડીઓ ઉત્કૃષ્ટ દેખાવ કરીને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલો મેળવીને જિલ્લા સહિત રાજ્યનું નામ રોશન કરે તે માટે કલેક્ટર શ્રી ડો. વિપિન ગર્ગ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ પણ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના તમામ રમતવીરોને શુભેચ્છા પાઠવીને રાજ્યકક્ષાએ સ્પર્ધામાં પહોંચવા શુભકામનાઓ પાઠવી હતી.
પ્રથમ દિવસે ખોખો રમતની અં-૧૪ ભાઈઓ, અં-૧૪ બહેનો અને અં-૧૭ ભાઈઓની સ્પર્ધાનું આયોજન થયેલ હતું. જેમાં તાપી અને ડાંગ જિલ્લાની ટીમો વિજેતા થઈ હતી. આ તમામ વિજેતા ટીમો અગાઉ રાજ્યકક્ષાએ ભાગ લેશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીએ જણાવેલ હતું.
રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી-તાપી અને શ્રી ર.ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધા તા. 0૫ માર્ચ, ૨૦૨૪ સુધી ચાલશે. તાપી જિલ્લામાં આયોજિત આ સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ચેતનભાઈ પટેલ, સહાયક માહિતી નિયામક શ્રી નિનેશભાઈ ભાભોર, વિવિધ જિલ્લાના કોચ, ખેલાડીઓ અને ખેલપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000