સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા બારડોલીનાં સાંકરી BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સરકારી પ્રાથમિક શાળાઓનાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો
જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓનાં ધોરણ 3 થી 8 નાં 324 તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રશસ્તિપત્ર તથા પ્રોત્સાહક ઈનામ આપી વિશેષ સન્માન
————-
જિલ્લા પંચાયત હસ્તકની સ્માર્ટ શાળાઓ થકી વિદ્યાર્થીઓને અત્યાધુનિક શિક્ષણ પ્રાપ્ત થશે : ભાવિનીબેન પટેલ (જિલ્લા પંચાયત પ્રમુખ
——–
હું આઈ.એ.એસ. બની ત્યાં સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ નથી કર્યો : શિવાની ગોયલ (જિલ્લા વિકાસ અધિકારી)
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સંચાલિત, સુરત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં તેજસ્વી તારલાઓને સન્માનવાનો એક વિશેષ કાર્યક્રમ બારડોલી તાલુકાનાં BAPS સ્વામિનારાયણ મંદિર, સાંકરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ તકે સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાનાં ધોરણ 3 થી 8 નાં પ્રથમ સત્રમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમ પ્રાપ્ત કરનારા 324 જેટલાં તેજસ્વી તારલાઓને ઉપસ્થિત મહાનુભવોએ પ્રશસ્તિપત્ર અને પ્રોત્સાહક ઈનામ અર્પણ કરી સન્માનિત કર્યા હતાં.
કાર્યક્રમનાં ઉદઘાટક એવાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે જણાવ્યું હતું કે 2047 સુધીમાં વડાપ્રધાનનાં વિકસિત ભારત બનાવવાનાં સ્વપ્નને સાકાર કરવા વિદ્યાર્થીઓ પણ પોતાનું યોગદાન આપવા સંકલ્પ લે. જો વિદ્યાર્થીઓ અભ્યાસમાં સંપૂણપણે ધ્યાન કેન્દ્રિત કરી તેજસ્વી અને સક્ષમ બનશે તો દેશ પણ મજબૂત અને વિકસિત બનશે. તેમણે વિદ્યાર્થીઓને સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલ શિક્ષણલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે લક્ષ્ય નક્કી કરવા, અનુશાસન અને ટાઈમ મેનેજમેન્ટ, મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ ઉપરાંત ધૈર્યતાપૂર્વક અભ્યાસ કરવા અંગે માર્ગદર્શિત કર્યા હતાં.
જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે સમાજમાં સુશિક્ષિત વ્યક્તિની આગવી ઓળખ ઉભી થાય છે. શિક્ષણ અને સુસંસ્કારો થકી આદર્શ વ્યક્તિત્વનું ઘડતર થાય છે, જેથી વિદ્યાર્થીઓએ સતત અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ. છેવાડાનાં બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય એ માટે સરકારે અનેક શિક્ષણલક્ષી યોજનાઓ અમલમાં મૂકેલ છે. જિલ્લા પંચાયત દ્વારા સ્માર્ટ શાળા બનાવવા 5 લાખની ગ્રાન્ટને વધારી 50 લાખ સુધીની ગ્રાન્ટ આપવાનું નક્કી કરેલ છે. સ્માર્ટ શાળા થકી વિદ્યાર્થીઓને અત્યાધુનિક શિક્ષણ પ્રાપ્ત થશે.
જિલ્લાભરનાં તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ ભારતીબેન રાઠોડ તથા સભ્યગણ, શાસક પક્ષનાં નેતા રવજીભાઈ વસાવા, કારોબારી અધ્યક્ષ જીતેન્દ્રભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ, નાયબ ડીપીઈઓ વજેસિંગભાઈ વસાવા, ડાયેટનાં પ્રાચાર્ય યોગેશભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. અંતમાં આભારવિધિ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે આટોપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યાસીનભાઈ મુલતાનીએ કર્યુ હતું. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.