ઓલપાડની અંભેટા પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસની અભૂતપૂર્વ ઉજવણી કરવામાં આવી
શાળાનાં સૌ બાળકોએ વિવિધતામાં જ એકતા સમાયેલ છે એ વાત આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસે પોતાનાં વક્તવ્ય અને વર્તન દ્વારા સિદ્ધ કરી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસનાં વિશેષ મહત્વને સાર્થક કરવા ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ હસ્તકની અંભેટા પ્રાથમિક શાળાનાં બાળકોએ શાળા પરિવારનાં શિક્ષકો તેમજ ઉત્થાન સહાયકનાં માર્ગદર્શન હેઠળ દાદ માંગી લઈ તેવાં સરસ પ્રયત્ન કર્યા હતાં
જે અંતર્ગત છેલ્લાં બે દિવસથી બાળકોને ગૃહકાર્યમાં પોતાનાં સમાજ તેમજ પૂર્વજો ક્યાંનાં મૂળ વતની હતાં, જો તેઓ સ્થળાંતર કરીને અહીં આવ્યા છે તો તેની પાછળનું કારણ શું? તેઓ જે વિસ્તારનાં હતાં તેની ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે અને હમણાં જ્યાં રહે છે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે? તેઓનો ખોરાક અને પહેરવેશ શું હતો અને હાલ શું છે? તેઓનાં મનોરંજનનાં સાધનો જેવાં કે નાચ, ગાન સંગીતનાં વાદ્યો કેવાં હતાં અને હવે કેવા છે વગેરે જેવાં પ્રશ્નો આપવામાં આવ્યા હતાં. બે દિવસ બાદ આ બધાં જ પ્રશ્નોનું સંકલન કરી બાળકોને તૈયાર કરવામાં આવ્યા કે 21 ફેબ્રુઆરીનાં દિવસે બાળકો શાળામાં પોતાનાં સમાજ વિશે અને પોતાનાં વિશે પોતાની માતૃભાષામાં જણાવશે. ઘરે તેમજ સમાજમાં જે તે લહેકામાં બાળકો પોતાનાં માતા પાસે શીખ્યા હોય તે પ્રમાણે તેઓ પોતાની વાતો રજૂ કરશે.
શાળાનાં નવતર પ્રયત્નો રંગ લાવ્યા હોય એમ બાળકોએ હળપતિ સમાજ, આહિર સમાજ, પટેલ સમાજ અને ચૌહાણ સમાજની બોલીઓમાં દરેકે પોતાનો ઇતિહાસ અને હાલની પરિસ્થિતિ જણાવી. આ ઉપરાંત બાળકોએ પોતાનાં સમાજમાં ગવાતાં લગ્નગીતો અને લોકગીતો પ્રસ્તુત કર્યા. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રસ્તુત થયેલ દરેક બાળકો પોતાનાં સમાજનાં પહેરવેશ પહેરીને આવ્યા હતાં.