વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે પુંસરી પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા ૨૧ ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ જાહેર કરવામાં આવેલ છે. તે ઉપલક્ષમાં દાહોદ જિલ્લાની પુંસરી પ્રાથમિક શાળામાં આ વિશેષ દિવસની ઉજવણીનાં ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
શાળાનાં ઉપશિક્ષક સુરેશભાઈ માળીએ બાળકોને રાષ્ટ્રભાષાનાં અધિકાર માટે ઢાકા યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓએ કરેલ ચળવળનું ઉદાહરણ ટાંકીને માતૃભાષા દિનની ઉજવણીનાં ઇતિહાસથી માહિતગાર કર્યા હતાં. તેમને શબ્દકોશનો ઉપયોગ કેવી રીતે કરવો તે બાબતની વિદ્યાભ્યાસલક્ષી જાણકારી પણ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતી સાહિત્યકારો તેમનાં જીવન-કવનની ગાથા, પ્રસિદ્ધ કહેવતો, વ્યાકરણલક્ષી છંદ અને અલંકારોની માહિતી તથા જુદીજુદી ભાષાઓનો પરિચય પણ રજૂ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે બાળકો માટે લોકગીત સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વેશભૂષા સ્પર્ધા, વાર્તા સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. શાળાનાં આચાર્ય રાજેશભાઈ પટેલ તથા શિક્ષિકા સીમાબેન નાયક અને રશ્મિતાબેન પરમારે નિર્ણાયકની ભૂમિકા ભજવીને ભાગ લેનાર સર્વે બાળકોને પ્રોત્સાહક ભેટ અને પ્રથમ ક્રમ મેળવનાર બાળકોને વિશેષ ભેટ આપવામાં આવી હતી.