વઘઈ ખાતે આઈ.સી.ડી.એસ દ્વારા જિલ્લા કક્ષાનો “વાલીઓ સાથેનો સંવાદોત્સવ” અને ભુલકા મેળો યોજાયો
પા પા પગલી પ્રોજેક્ટ’ અંતર્ગત “શિક્ષણની વાત, વાલીઓ સાથે સંવાદોત્સવ કાર્યક્રમ” યોજાયો
–
વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે વાલીઓ સાથે કર્યો સંવાદ
–
(અર્જુન જાધવ દ્વારા, વધઈ): તા: ૨૩: ડાંગ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પુર્વ પ્રાથમિક શિક્ષણ પ્રોજેક્ટ “પા પા પગલી” અંતર્ગત આંગણવાડીના ૩-૬ વર્ષના બાળકોના વિકાસને ધ્યાને રાખી “શિક્ષણની વાત, વાલિઓ સાથેનો સંવાદોત્સવ” રૂપે ભુલકા મેળા કાર્યક્રમનું આયોજન ગુજરાત વિધાનસભા નાયબ દંડક વ ડાંગ જિલ્લાના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કૃષિ મહાવિદ્યાલય, વઘઈ ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પા પા પગલી યોજના થકી આંગણવાડીમાં આવતા બાળકોના જીવનમાં મહત્વના વર્ષોમાં ગુણવત્તા પૂર્ણ જીવન માટેનો મજબૂત પાયો નંખાય અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
આંગણવાડીમાં કાર્યકર અને તેડાગર બહેનો માતા યશોદા બની બાળકોનો માનસિક, સામાજિક અને સર્જનાત્મક વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ કરી બાળકોના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપે છે.
બાળકોની આંતરિક શક્તિઓને ખીલવવા માટે આંગણવાડીની બહેનોનો વિશેષ ફાળો રહેલો છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે વાલી સાથેનો સંવાદોત્સવ ખૂબ જરૂરી બની જાય છે, તેમ શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું.
પા પા પગલી એટલે કે, બાળક ધીરે ધીરે ચાલતા શીખે છે, બાળક પ્રાથમિક શાળામાં જતા પહેલા આંગણવાડીમા રમતા રમતા શિક્ષણ મેળવે છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા અનેક યોજના બાળકો તેમજ માતાઓ માટે લાગુ કરવામાં આવી છે. આજે મોડેલ રૂપ આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે બાળકોને આંગણવાડીમા મોકલાવવા માટે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈને ઉપસ્થિત વાલીઓને અનુરોધ કર્યો હતો.
બાળકોની આંતરિક શક્તિઓને ખીલવવા માટે આંગણવાડીની બહેનોનો વિશેષ ફાળો રહેલો છે. તેમ મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રીમતી સારૂબેન વળવીએ જણાવ્યું હતું.
૬ વર્ષેની વય જુથના બાળકના મગજનો ૮૫ % વિકાસ નાનીવયમા જ થઈ જતો હોય છે. બાળક કુમળી વયનું હોય ત્યારે બાળકો ઉપર ખાસ ધ્યાન આપી બાળકો શિક્ષણ માટે પ્રેરાય તે માટે ધ્યાન રાખવા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈના પ્રાચાર્યશ્રી ડો.ભગુભાઈ રાઉતે વાલીઓને આગ્રહ કર્યો હતો.
સરકાર દ્વારા બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે સરકારની તમામ યોજનાઓનો લાભ લેવા, બાળકોને નિયમિત શાળામાં જવા માટે વાલીઓને કાળજી રાખવા શ્રી રાઉતે વધુમાં જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં વાલીઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. આંગણવાડી બાળકોના વાલીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. ટી.એલ.એમ દ્વારા ટીચિંગ લર્નિગ મોડ્યુલ સ્ટોલનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. તેમજ આંગણવાડી બહેનોને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. કાર્યક્રમમા બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, વઘઈ મામલતદાર શ્રી એમ.આર.ચૌધરી, સામાજિક કાર્યકર શ્રી સુભાષભાઈ ગાઇન, શ્રી મધુભાઈ વળવી તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો, વાલીઓ અને ભુલકાઓ હાજર રહ્યા હતા.