તાપી ખાતે આઈ. સી. ડી. એસ. દ્વારા જિલ્લા કક્ષાનો “શિક્ષણની વાત, વાલીઓ સાથેનો સંવાદોત્સવ” કાર્યક્રમ યોજાયો
સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને “શિક્ષણની વાત, વાલીઓ સાથેનો સંવાદોત્સવ” કાર્યક્રમ યોજાયો
–
“આંગણવાડી એટલે શિક્ષણનું પ્રથમ પગથીયું.”- સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તા.૨૩- તાપી જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પુર્વ પ્રાથમિક શિક્ષણ પ્રોજેક્ટ “પા પા પગલી” અંતર્ગત આંગણવાડીના ૩-૬ વર્ષના બાળકોના વિકાસને ધ્યાને રાખી “શિક્ષણની વાત, વાલિઓ સાથેનો સંવાદોત્સવ” કાર્યક્રમનું આયોજન સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાની અધ્યક્ષતામાં બાબા આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, માતા પિતા કરતા પણ વધારે જવાબદારીનું કામ આંગણવાડી બહેનોનું છે. આંગણવાડી બહેનો યશોદા બની બાળકોનો માનસિક, સામાજિક અને સર્જનાત્મક વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ કરી બાળકોના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપે છે.
આંગણવાડી એટલે શિક્ષણનું પ્રથમ પગથીયું. એમ ઉમેરી ભાર વગરનું ભણતરના અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા નવી શિક્ષણનીતીનો અમલ કરાયો છે. ગુજરાત સરકાર દ્વારા પા પા પગલી યોજના થકી આંગણવાડીમાં આવતા બાળકોના જીવનમાં મહત્વના વર્ષોમાં ગુણવત્તા પૂર્ણ જીવન માટેનો મજબૂત પાયો નંખાય અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
અંતે સાંસદશ્રીએ આઈ. સી. ડી. એસ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી અને ભુલકાઓ દ્વારા રજુ થયેલ ઉત્કૃષ્ટ કલાકૃતીઓની પ્રસંશા કરી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે બાળકોની આંતરિક શક્તિઓને ખીલવવા માટે આંગણવાડીની બહેનોનો વિશેષ ફાળો રહેલો છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે વાલી સાથેનો સંવાદોત્સવ ખૂબ જરૂરી બની જાય છે. રાજ્ય સરકાર દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ મળી રહે તે માટે પોષણ કીટ આપવામાં આવે છે. સાથે જ સરકાર કિશોરીઓના સ્વાસ્થ્યની પણ દરકાર કરી છે.
ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાએ પ્રાંસંગિક ઉદ્બોધન દ્વારા આઈ. સી. ડી. એસ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની પ્રસંશા કરી વાલીઓ કરતા પણ વિશેષ કામગીરી આંગણવાડી બહેનોની હોય છે એમ જણાવ્યું હતું.
પ્રોગ્રામ ઓફિસરશ્રી તન્વી પટેલે સ્વાગત પ્રવચન કરતા “શિક્ષણની વાત, વાલીઓ સાથેનો સંવાદોત્સવ” કાર્યક્રમનું મહત્વ અને આઈ. સી. ડી. એસ વિભાગ હેઠલ કાર્યરત વિવિધ યોજનાઓ અંગે સૌને અવગત કર્યા હતા.
આ પ્રસંગે મહાનુભાવો દ્વારા વાલીઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. વિવિધ આંગણવાડી દ્વારા વિવિધ થીમ આધારિત મોડેલનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. તેમજ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. બાળકોને પુરસ્કાર રૂપે પ્રોત્સાહક ઇનામ આપી મહાનુભાવોએ બાળકોની કલાને બીરદાવી હતી.
આ પ્રસંગે મહિલા અને બાળ સમિતિના ચેરમેન તૃપ્તી પટેલ, ન.પા.પ્રમુખ રીતેશ ઉપાધ્યાય, સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને ભુલકાઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સુપેરે પાર પાડવા આઈ. સી. ડી. એસ વિભાગના અધિકારી કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
00000