સાકરપાતળ રેંજનાં બોરદહાડ ગામ ખાતે આવેલ રીસોર્ટમાંથી સાગી લાકડાનો જથ્થો ઝડપાયો
(પ્રતિનિધિ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ સાકરપાતળ રેંજનાં બોરદહાડ ગામ ખાતે આવેલ રીસોર્ટમાં છુપાવેલ ગેરકાયદેસર સાગી લાકડાનો જથ્થો ઝડપાયો.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકામાં સમાવિષ્ટ સાકળપાતળ રેંજ વિસ્તારમાં આવેલ બોરદહાડ ગામે ખાનગી રાહે રીસોર્ટમાં બાંધકામની કામગીરી પ્રગતિમાં હોય જ્યાં લાકડા તસ્કરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી દક્ષિણ ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ રવિપ્રસાદ રાધાક્રિષ્નાને મળી હતી.બાદમાં દક્ષિણ ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ.રવિપ્રસાદ રાધાક્રિષ્નાનાં માર્ગદર્શન હેઠળ સાકરપાતળ રેંજનાં આર.એફ.ઓ.મનીષ સોનવણે સહિત વન વિભાગની ટીમે બોરદહાડ ગામે ચાલી રહેલ રીસોર્ટનાં બાંધકામનાં સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ.જે તપાસ દરમિયાન વન વિભાગની ટીમ દ્વારા સાગી લાકડાનાં જથ્થાની શોધખોળ કરતા રીસોર્ટના સંચાલકે રીસોર્ટનાં પાછળના ભાગે ઘાસનાં નીચે છુપાવેલ કુલ- 56 સાગી નંગ મળી આવ્યા હતા. જેનું મોજમાપ કરતા સાગી ઘન મીટર- 3.650 જેની અંદાજિત કુલ કિંમત રૂ 1,82500નો જથ્થો મળી આવતા આ જથ્થાને કબ્જામાં લઈ દક્ષિણ વન વિભાગની સાકરપાતળ રેંજની ટીમ દ્વારા રીસોર્ટ સંચાલકની પુછપરછ કરી આગળની કાર્યવાહી માટે તપાસ હાથ ધરી છે..