ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉત્સાહભેર ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’. આ અવિસ્મરણીય સૂત્ર આપીને કવિ અરદેશર ઈરાનીએ આપણી માતૃભાષાનાં રખેવાળ બની સુંદર કાર્ય કર્યું છે. આજનાં આ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસનાં શુભ દિને ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળા મંદરોઇ સહિત કરંજ, પારડીઝાંખરી, જીણોદ તથા મીરજાપોર પ્રાથમિક શાળામાં વિવિધ કાર્યક્રમો સાથે માતૃભાષા વંદના કરવામાં આવી હતી.
આ પ્રસંગે કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલે જણાવ્યું હતું કે માં, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઇ વિકલ્પ નથી. દરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષમ સાધન જો કોઈ હોય તો તે માતૃભાષા છે. આ તકે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ ગિરીશ પટેલ (ભગવા), ઉપપ્રમુખ ચિરાગ પટેલ (જીણોદ) તથા મહિલા ઉપપ્રમુખ જાગૃતિ પટેલે (કરંજ) સોશિયલ મીડિયાનાં માધ્યમ થકી સૌને માતૃભાષા દિવસની શુભેચ્છા પાઠવી હતી.
આ વિશેષ દિવસની ઉજવણી નિમિત્તે શાળાઓમાં બાળકોને ગુજરાતની ધરતી પર જન્મ લઈને ગુજરાતી ભાષાનાં વિકાસ અને વિસ્તારમાં મહત્વની ભૂમિકા ભજવનાર વિરલ કવિઓ, સાહિત્યકારો, વિવેચકો, સંતો-મહંતોનાં જીવન ચરિત્રથી અવગત કરવામાં આવ્યાં હતાં. ઉજવણીનાં ભાગરૂપે કેટલીક શાળાઓમાં વક્તૃત્વ, ચિત્ર, કાવ્ય રચના તથા નિબંધ લેખન જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.