ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના સદસ્યશ્રી ભરતભાઈ બાબુભાઈ પટણીના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લાની વિવિધ વિચરતી – વિમુકત જનજાતિ સમુદાયના આગેવાનો સાથે બેઠક યોજાઇ

Contact News Publisher

‘સામાજીક ઉત્થાન માટે આપણે પહેલ કરવી પડશે: તમારી શક્તિનું સમાજમાં વિલિનીકરણ કરી માનવજાતના ઉત્થાન માટે સક્રિય પ્રયત્ન કરો’- ભરતભાઈ પટણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :. તા.21: વિચરતી-વિમુકત જનજાતિ સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડ,અને જિલ્લા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સંયુક્ત ઉપક્રમે આજરોજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર, ન્યુ દિલ્હીના સદસ્યશ્રી ભરતભાઈ બાબુભાઈ પટણીના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લાના વિવિધ વિચરતી – વિમુકત જન જાતિ સમુદાયના આગેવાનો સાથે જિલ્લા સેવાસદનના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી.

આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર, ન્યુ દિલ્હીના સદસ્યશ્રી ભરતભાઈ બાબુભાઈ પટણીએ ઉપસ્થિત સૌ આગેવાનોને પોતાના હકો માટે જાગૃત કરતા જણાવ્યું હતું કે, સામાજીક ઉત્થાન માટે આપણે પહેલ કરવી પડશે. સમાજને બળવાન બનાવવાનું છે. જેના માટે એકલ દોકલ વ્યક્તિઓથી નહી પરંતું સમગ્ર માનવજાતને શક્તિવાન બનાવવી પડશે. તેમણે દરેક વ્યક્તિને તમારી શક્તિનું સમાજમાં વિલિનીકરણ કરી માનવજાતના ઉત્થાન માટે પ્રયત્ન કરવા પ્રેરીત કર્યા હતા.

આ સાથે તેમણે જુની વિચારસરણીઓ, કુરીવાજો, કુપ્રથાઓ, વહેમોને નકારી સમાજમાં જાગૃતતા લાવવાના સુચનો કર્યા હતા. બાળકોને ભણવાવા, યુવાઓને નશા અને ગેરમાર્ગે જતા અટકાવવા, સખી મંડળોની રચના કરી મહિલાઓને પગભર કરવા, સમાજમાં કોઓપરેટીવ સોસાયટી બનાવી પોતાની કમાણીમાંથી બચત કરવા જેવી વિવિધ બાબતો અંગે જાણકારી આપી ઉપસ્થિત સૌને જાગૃત બનવા અપીલ કરી હતી.

બેઠકના અંતે વિવિધ સમાજના પ્રશ્નો અંગે ચર્ચા કરી ઉપસ્થિત અધિકારીશ્રીઓને જરૂરી રચનાત્મક સુચનો કર્યા હતા. જેના અનુસંધાને અધિક નિવાસી કલેક્ટરશ્રી આર.આર.બોરડે વિવિધ પ્રશ્નોના નિરાકરણ સરકારશ્રીની માર્ગદર્શિકાને અનુરૂપ અને કોઇને અન્યાય ન થાય તેવી રીતે સંવેદના જાળવી લાવવામાં આવશે એમ આશ્વાસન આપ્યું હતું.

બેઠકમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિકસતી જાતી)શ્રી જે.એન.ચૌહાણે સમાજ કલ્યાણ વિભાગ હેઠળ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી જેતે યોજના અંતર્ગત મળતા લાભો અંગે સૌને અવગત કર્યા હતા.

બેઠકમાં તાપી જિલ્લા સહિત વિવિધ જિલ્લાના વિચરતી-વિમુકત જનજાતિના આગેવાનો જાગૃત ગ્રામજનો ઉપસ્થિત રહી પોતાના પ્રશ્નો રજુ કર્યા હતા.
૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *