અભૂતપૂર્વ સિદ્ધિ : રાજ્ય કક્ષાનાં ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં સુરતની બાલાજી ગર્લ્સ ટીમ પ્રથમ ક્રમે
રજૂ થયેલ કૃતિ GCERT દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ નોમિનેટ થતાં શાળામાં ખુશીની લહેર
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : GCERT ગાંધીનગર દ્વારા જૂનાગઢનાં બ્રહ્માનંદ વિદ્યામંદિર, ચાપરડા ખાતે વર્ષ 2023-24 નું 51મું રાજ્ય કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરની શ્રીમતી ક.લ.શં. ખાંડવાળા સાર્વજનિક હાઇસ્કૂલ ફોર ગર્લ્સમાંથી શાળાનાં આચાર્યા ડૉ. ફાલ્ગુનીબેન પટેલનાં માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ કૃતિ રજૂ કરવામાં આવી હતી.
ઉચ્ચતર માધ્યમિક કક્ષાનાં વિભાગ-3 માં શિક્ષિકા વૈશાલીબેન પટેલ અને મુનીરાબેન હમદાનીનાં માર્ગદર્શન દ્વારા તૈયાર થયેલ કૃતિ “Best from Waste” શાળાનાં બાળ વૈજ્ઞાનિકો જરીવાલા ધ્રુવી અને માલી ધ્વનિ દ્વારા રજૂ કરવામાં આવી હતી. જે કૃતિએ પ્રથમ ક્રમ હાંસલ કરી સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતનું નામ રોશન કરેલ છે.
સદર વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધેલ વિદ્યાર્થીનીઓ, સાયન્સ ટીમનાં શિક્ષકો તેમજ આચાર્યાને શાળાની વહીવટી સમિતિનાં અધ્યક્ષ એડવોકેટ નીલમબેન શાહ તથા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનાં સર્વે પદાધિકારીઓએ તેમની સિદ્ધિને બિરદાવી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં.