પ્રિ વોકેશનલ એજ્યુકેશન બેગલેસ ડે અંતર્ગત પુંસરી પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓની એક્સ્પોઝર વિઝિટ યોજવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વિદ્યાર્થીઓમાં વિવિધ કૌશલ્યો ખીલે અને તેઓ વ્યાવસાયિક તાલીમ મેળવે એવાં મૂળભૂત હેતુસર દાહોદ જિલ્લા પંચાયત શિક્ષણ સંચાલિત પુંસરી પ્રાથમિક શાળાનાં ધોરણ 8 નાં 62 વિદ્યાર્થીઓ માટે એક્સ્પોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળાનાં આચાર્ય રાજેશ પટેલની પ્રેરણા સાથે સ્ટાફગણ સુરેશ માળી, સ્મિત ગજ્જર, પ્રિયંકા ગજ્જરનાં માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ પ્રથમ દાહોદ શહેર સ્થિત આઈ.ટી.આઈની મુલાકાત લીધી હતી. અહીં વિદ્યાર્થીઓએ ફીટર, વેલ્ડર, વાયરમેન, પ્લમ્બર,
મોટર મિકેનિક, સૂઈ પેટિકોટ, ટર્નર, ડ્રાઇવિંગ જેવાં ટ્રેડની મુલાકાત લઈ પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. શહેરની ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે ડો. ભાભોર તથા તેમની ટીમે મુલાકાતી વિદ્યાર્થીઓને હોસ્પિટલનાં જુદાં-જુદાં વોર્ડ જેવાં કે એનોટોમી, ઓ.ટી.વોર્ડ ફાર્મા વોર્ડથી માહિતગાર કરી સૌને ઉચ્ચ શિક્ષણ માટે શુભાશિષ પાઠવ્યા હતાં. આ તકે ઝાયડસ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ફળાહાર આપવામાં આવ્યો હતો.
અંતમાં વિદ્યાર્થીઓ સ્માર્ટ સિટી દાહોદનાં ઐતિહાસિક સ્થળ તરીકે પ્રસિદ્ધ એવાં સિદ્ધરાજ જયસિંહ તળાવની મુલાકાત લઈ આનંદવિભોર થયાં હતાં. અત્રે વિદ્યાર્થીઓએ પોતપોતાનાં પ્રતિભાવ રજૂ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો.