બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ ખાતે ધોરણ 6 થી 8 નાં શિક્ષકોની ભાષા શિક્ષણ તાલીમ યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : એકવીસમી સદીનાં શિક્ષણ અંગેનાં UNESCO નાં અહેવાલમાં આજીવન શિક્ષણની વાત કરવામાં આવી છે. એ જ રીતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં પણ શિક્ષકો માટે સતત વ્યાવસાયિક વિકાસનાં ભાગરૂપે દર વર્ષે પચાસ કલાકની તાલીમની ભલામણ કરવામાં આવી છે. જે અંતર્ગત ભાષા શિક્ષણ વિશેનાં અદ્યતન ખ્યાલો કયા છે તે અંગે શિક્ષકો માહિતગાર થાય એવાં મૂળભૂત હેતુસર બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા ભાષા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દ્રિદિવસીય તાલીમ વર્ગમાં તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવતાં ધોરણ 6 થી 8 નાં શિક્ષક ભાઈ-બહેનોએ સહર્ષ ભાગ લીધો હતો.
પ્રારંભે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે સૌ તાલીમાર્થીઓને આવકારી જણાવ્યું હતું કે વિવિધ શૈક્ષણિક સંશોધનો સહિત સત્રાંત પરીક્ષાઓનાં પરિણામનાં આધારે GCERT દ્વારા શિક્ષકો માટે વિવિધ તાલીમ કાર્યક્રમો યોજવામાં આવે છે. વિદ્યાર્થીઓને અઘરી લાગતી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીની અધ્યયન નિષ્પત્તિઓ માટે કેવી અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા યોજી શકાય એ બાબત તાલીમનો મુખ્ય હેતુ છે. તેમણે ચાલુ વર્ષે અજમાયશી ધોરણે અમલમાં મૂકવામાં આવેલ ધોરણ 6 ગુજરાતીનાં પાઠ્યપુસ્તકનાં અભિગમ અંગે પરસ્પર ચર્ચા હાથ ધરી હતી.
સદર તાલીમ વર્ગમાં તજજ્ઞ તરીકે વૈશાલી સેલર, હીના ત્રિવેદી, અંકિતા ટેલર, કાજલ પટેલ, નવીન ગામીત, ઉર્વી પટેલ, કૈલાશ મેસુરીયા તથા સંગીતા ભીંગરાડીયાએ ઉત્કૃષ્ટ સેવા બજાવી હતી. વર્ગ સંચાલક તરીકે સાંધિયેરનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર તેજસ નવસારીવાલાએ સેવા આપી હતી.