“લોકડાઉન”ની સ્થિતિ વચ્ચે તાપી જિલ્લામા 1,11,755 રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ અપાયુ ; 1,243 લાભાર્થીઓને અન્નબ્રહ્મ કીટ સહિત નોન એનએફએસએ બીપીએલ 4,228 કાર્ડધારકોને પણ અનાજ અપાયુ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: 8: “કોરોના”ના સંક્રમણને અટકાવવા માટે અમલી “લોકડાઉન” ની સ્થિતિ વચ્ચે સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર, તાપી જિલ્લાના જુદી જુદી કેટેગરીના રેશન કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન અનુસાર જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલ તથા તેમની ટિમ દ્વારા, જિલ્લાની સસ્તા અનાજની દુકાનો મારફત સોશિયલ ડિસ્ટન્સિંગની કડક અમલવારી સાથે આ અનાજના પુરવઠાનું વિતરણ કરવામાં આવ્યું છે. જે મુજબ તાપી જિલ્લામાં તા.1 થી 3 એપ્રિલ દરમિયાન કુલ 1,11,755 રેશનકાર્ડ ધારકોને વિનામુલ્યે અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે અન્નબ્રહ્મ યોજન હેઠળના પાત્રતા ધરાવતા જિલ્લાના કુલ 1.243 લાભાર્થીઓને અન્નબ્રહ્મ કીટ, અને નોન એનએફએસએ બીપીએલ કાર્ડધારક 4,228 લાભાર્થીઓને પણ વિનામુલ્યે અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે.
દરમિયાન જિલ્લાની સસ્તા અનાજની દુકાનો મારફત વિતરણ કરતાં અનાજના પુરવઠા બાબતે જિલ્લા કલેક્ટરશ્રીને મળેલી વિવિધ ફરિયાદોની જાત તપાસ કરતા સોનગઢ તાલુકાનાં રાણીઆંબા તથા ભીમપુરા ગામની વાજબી ભાવોની દુકાનોમાં તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી મોટાભાગના રેશનકાર્ડ ધારકોના નિવેદનો પણ લેવામાં આવ્યા છે. જ્યારે સોશિયલ મીડિયામાં કે જિલ્લાના કંટ્રોલરૂમમાં ખોટી ફરિયાદ કે ટીખળ કરનાર વ્યક્તિઓ સામે પણ તંત્રે લાલ આંખ કરી જરૂરી પગલાં લીધા છે.
અન્ન પુરવઠા ઉપરાંત જિલ્લામાં આવશ્યક ચીજ વસ્તુઓ, શાકભાજી, ખાધતેલ, પેટ્રોલ, ડીઝલના આવક જાવક ઉપર પણ જિલ્લા વહીવટી તંત્ર બાજ નજર રાખી રહ્યું છે, તેમ પુરવઠા અધિકારી નૈતિકા પટેલે વધુમાં જણાવ્યુ છે.
–0—