જૂની પેન્શન યોજના તથા અન્ય પડતર પ્રશ્નો સંદર્ભે સુરત જિલ્લાનાં પ્રાથમિક શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી
(વિજય પટેલ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓનાં પડતર પ્રશ્નો સંદર્ભે વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરવામાં આવેલ છે. જેને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ટેકો આપેલ છે. આ આંદોલનનાં સમર્થનનાં ભાગરૂપે આજરોજ સુરત જિલ્લાનાં શિક્ષક ભાઈ-બહેનોએ કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવી હતી.
સદર આંદોલન અંગે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે સમગ્ર રાજયમાં બધાં જ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા, ફિકસ પગાર યોજના દૂર કરવા ઉપરાંત સરકાર સાથે થયેલાં સમાધાન મુજબનાં પ્રશ્નોનું નિરાકરણ મળ્યુ નથી જેથી ગુજરાત રાજ્ય સંયુકત કર્મચારી મોરચા અને ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્વારા સરકાર સામે બાંયો ચડાવવાની જરૂર પડી છે. જે બાબતે આવતીકાલે સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં વસંતપંચમીની સ્થાનિક રજા હોવાથી આજરોજ શિક્ષકોએ ફરજ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ વ્યક્ત કરેલ છે. બીજી તરફ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ આંદોલનનાં પ્રથમ ચરણને અપેક્ષિત પ્રતિસાદ સાંપડ્યો છે જે સંગઠનની મજબૂત એકતા દર્શાવે છે.