ગુજરાત એચિવમેન્ટ સર્વે અંતર્ગત ઓલપાડ તાલુકાની 20 સરકારી પ્રાથમિક શાળાઓમાં વિશેષ કસોટી યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રાજ્યની પ્રાથમિક શાળાઓનાં ધોરણ 4 અને 7 નાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ જાણવા માટે ગુજરાત એચિવમેન્ટ સર્વે (GAS) હાથ ધરવામાં આવેલ છે. પ્રસ્તુત સર્વેનાં પરિણામ સ્વરૂપે વિદ્યાર્થીઓ માટે અધ્યયન નિષ્પત્તિઓની કઠિનતા જાણી તેનાં ઉકેલ માટે અધ્યયનકાર્યની માર્ગદર્શન રૂપરેખા તૈયાર કરી શકાશે. સાથોસાથ શિક્ષકોનાં વ્યવસાયિક વિકાસ અને વર્ગખંડ અધ્યયન-અધ્યાપનમાં ઉપયોગી પુરવાર થઈ શકશે. સર્વેક્ષણ અંતર્ગત ઉપલી કક્ષાએથી ઓલપાડ તાલુકાની 20 સરકારી પ્રાથમિક શાળાઓની પસંદગી કરવામાં આવી હતી. જે પૈકી ધોરણ 4 ની 10 પ્રાથમિક શાળાઓનાં 212 વિદ્યાર્થીઓ તથા ધોરણ 7 ની 10 પ્રાથમિક શાળાઓનાં 223 વિદ્યાર્થીઓ મળી કુલ 435 વિદ્યાર્થીઓએ નિયત કાર્યક્રમ મુજબ પરીક્ષા આપી હતી.
સર્વેક્ષણ સંબંધિત વધુ માહિતી આપતાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે GAS નો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓનાં કે શાળાનાં વ્યક્તિગત મૂલ્યાંકનનો નથી પરંતુ સમગ્ર રાજ્યનાં બધાં જ જિલ્લાઓમાંથી પસંદ કરવામાં આવેલ શાળાઓમાંથી સરકારી શાળાઓની શૈક્ષણિક સ્થિતિને સમજવી તે છે . વિદ્યાર્થીઓની અધ્યયન નિષ્પત્તિઓમાં સુધારો લાવવા માટે GAS દ્વારા પ્રાપ્ત થયેલા પરિણામોને નીતિ વિષયક સામગ્રીમાં અને આયોજનો ઉપરાંત શૈક્ષણિક પરામર્શનમાં ઉપયોગ કરવામાં આવશે.
સદર સર્વેક્ષણ અંતર્ગત ઓલપાડ તાલુકામાં પસંદગીની શાળાઓમાં લેવાયેલ પરીક્ષા આગોતરા આયોજન મુજબ સફળતાપૂર્વક પરિપૂર્ણ થયેલ છે. આ માટે જોડાયેલ FI શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી હતી.