વ્યારા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
વ્યારા-૧૭૧ વિધાનસભા મતવિસ્તારના ૧૮૭૭ લાભાર્થીઓને મળ્યો આવાસનો લાભ
–
વ્યારા-૧૭૧ વિધાનસભા મતવિસ્તારના લાભાર્થીઓ જનમેદની સ્વરૂપે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો
–
વર્તમાન સરકારે વંચિત અને ગરીબોની ચિંતા કરી છે: કોઇનું ઘર કાચું ન રહે તેવી ચિંતા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરી છે. -ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૦: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યની ૧૮૨ વિધાનસભાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અન્ય સંકલિત આવાસ યોજનાઓના આવાસોના ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો.
જે અન્વયે આજ રોજ વ્યારા-૧૭૧ વિધાનસભા મતવિસ્તારના લાભાર્થીઓને આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ વ્યારા તાલુકાના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આવાસ યોજનાના કુલ- ૧૮૭૭ લાભાર્થીઓને ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સરકારે વંચિત અને ગરિબોની ચિંતા કરી છે. કોઇનું ઘર કાચું ન રહે તેવી ચિંતા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરી છે. ધારાસભ્યશ્રીએ વિકાસના અદ્દભુત પવન સ્વરૂપે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને પ્રધાનમંત્રી જનમન જેવા કાર્યક્રમ થકી કોઇ પણ છેવાડાનો માનવી સરકારશ્રીના લાભથી વંચિત ન રહે તે માટે કટીબધ્ધતા દાખવી છે એમ ઉમેર્યું હતું.
તેમણે જિલ્લા વહિવટી તંત્રની કામગીરીની પણ સરાહના કરી પ્રજાની સેવા માટે જિલ્લા તંત્ર પ્રતિબધ્ધ છે એમ જણાવી ગામના સૌ જાગૃત નાગરિકો સહિત સરપંચો અને પદાધિકારીઓને કોઇ પણ લાભાર્થી લાભથી વંચિત ન રહે તે આપણી ફરજ છે એમ અંતે ઉમેર્યું હતું.
નોંધનિય છે કે, તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અને શહેરી) અંતર્ગત કુલ-૪૬૮૬ આવાસોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા.જેમાં વ્યારા-૧૭૧ વિધાનસભા મતવિસ્તારના ૧૮૭૭ લાભાર્થીઓને આવાસનો લાભ અર્પણ કરવામાં આવ્યો હતો. આ સાથે વિધાનસભા મતવિસ્તાર દીઠ ૦૫ લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક ચાવી અર્પણ કરવામાં આવી હતી.
આ સાથે કાર્યક્રમમાં આવાસ યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજુ કરી જિલ્લા તંત્ર તથા સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આવાસ યોજનાના લાભાર્થીઓનો પ્રતિભાવ રજૂ કરતી ડોક્યુમેન્ટ્રી, ક્વીઝ અને ગુજરાતની વિકાસગાથા આલેખતી અને સરકારની લોકકલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી આપતી વીડિયો ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રાતં અધિકારીશ્રી સાગર મોવાલીયા દ્વારા સ્વાગત પ્રવચન કર્યું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી શ્રીમતી કે એસ. પટેલ તથા જિલ્લા તંત્રના વિવિધ અધિકારીશ્રીઓ/કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી આર.આર.બોરાડ, સહિત પદાધિકારીશ્રીઓ તથા ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વ્યારા-૧૭૧ વિધાનસભા મતવિસ્તારના લાભાર્થીઓ જનમેદની સ્વરૂપે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
૦૦૦૦