તાપી જિલ્લાના વ્યારા અને ડોલવણ તાલુકામાં તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોને કુલ રૂ. ૧૬૫૭.૮૧ લાખની ગ્રાન્ટની ફાળવણી: પંચાયત રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા:-08 ૧૫માં નાણાંપંચ અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા અને ડોલવણ તાલુકામાં તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોને કુલ રૂ. ૧૬૫૭.૮૧ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં વ્યારા તાલુકા પંચાયતને રૂ. ૨૩૪.૦૬ લાખ, વ્યારા તાલુકાની ગ્રામ પંચાયતોને ૮૧૯.૨ લાખ, ડોલવણ તાલુકા પંચાયતને ૧૩૪.૩૪, જ્યારે ડોલવણ તાલુકાની ગ્રામ પંચાયતોને ૪૭૦.૨૧ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેમ પંચાયત રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે વિધાનસભા ગૃહમાં વ્યારાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે,આ ગ્રાન્ટ પૈકી વ્યારા અને ડોલવણ તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત દ્વારા કુલ ૧૪૩૮ કામ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યારા તાલુકા પંચાયતના ૧૪૧, વ્યારા તાલુકાની ગ્રામ પંચાયતોના ૯૩૩, ડોલવણ તાલુકા પંચાયતના ૭૧, અને ડોલવણ તાલુકાની ગ્રામ પંચાયતોના કુલ ૨૯૩ કામ કરવામાં આવશે. જેમાંથી હાલની સ્થિતિએ ૧૪૪ કામો પૂર્ણ થયા છે અને બાકીના કામ બનતી ત્વરાએ પૂર્ણ કરવામાં આવશે તેમ મંત્રીશ્રી એ પૂછાયેલા પુરક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું..
********