પુંસરી પ્રાથમિક શાળાનાં શિક્ષક સુરેશભાઈ માળીનું ગ્રામજનો દ્વારા સન્માન
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : કથાકાર પૂજ્ય મોરારી બાપુ દ્વારા દર વર્ષે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે સુંદર અને બેનમૂન કામગીરી બજાવનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે. ચાલુ વર્ષે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, દાહોદ સંચાલિત પુંસરી પ્રાથમિક શાળાનાં શિક્ષક સુરેશભાઈ રમેશભાઈ માળીની પણ આ એવોર્ડ માટે પસંદગી થવા પામી હતી. શાળાનાં આ પ્રતિભાવંત શિક્ષક સુરેશભાઈ માળીનું પુંસરી ગામનાં સરપંચ, ઉપસરપંચ, તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્ય તથા ગ્રામજનો દ્વારા શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે શાળાનાં આ શિક્ષકની બેનમૂન અને શ્રેષ્ઠતમ શૈક્ષણિક કામગીરીનાં પ્રતાપે પુંસરી ગામમાં છેલ્લાં 10 વર્ષથી શિક્ષણનો દિપક વધુ ઝળહળતો થઈને વિદ્યાર્થીઓને જુદીજુદી સ્પર્ધાઓમાં તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષા સુધી સફળતા અપાવીને શાળા તથા ગામનું નામ રોશન કરેલ છે. સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા આયોજીત સ્કોલરશીપ ધરાવતી પરીક્ષાઓ જેવીકે NMMS, PSE, ચિત્રકામ સ્પર્ધા, એક્લવ્ય પ્રવેશ પરીક્ષા, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ઉપરાંત જ્ઞાનસેતુ બ્રીજ કોર્સ જેવી પરીક્ષાઓમાં શાળાનાં વિદ્યાર્થીઓએ તેમનાં માર્ગદર્શન હેઠળ ઉત્તિર્ણ થઈને સફળતા મેળવેલ છે.