તાપી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાયો
“જીવનમાં અનેક પરીક્ષાઓ આવે છે: પરીક્ષાથી ક્યારેય ગભરાવું નહી.”-જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ
–
બાળકો સહિત મહાનુભાવોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.29: – તાપી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પરીક્ષા પે ચર્ચા -૨૦૨૩ કાર્યક્રમ કે.કે.કદમ કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ તકે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ શરૂ કરવાનો હેતું સમજાવતા બાળકોને કહ્યું હતું કે,જીવનમાં અનેક પરિક્ષાઓ આવે છે. તેથી પરીક્ષાથી ક્યારેય ગભરાવું નહી.પરીક્ષા એટલે જે ભણ્યા એ સૌની સમક્ષ રજુ કરવું.
તેમણે બાળકોને પોતાના મનમાં ‘મને બધુ આવડે છે’ એવી મનોગ્રંથી બંધીને વાંચન કરવા અને પરીક્ષા આપવા જણાવ્યું હતું. તેમણે આત્મવિશ્વાસ વધારવા માટે પ્રેકટીસ વધારવા અને મિત્રો જોડે ગૃપમા અભ્યાસ કરી એક બીજાને મદદરૂપ બનવા માર્ગદર્શન આપ્યું હતું.
શ્રી શાહે પોતાના ભણતરના દિવસો અને તે સમયની પરીક્ષાઓના અનુભવો વર્ણવી બાળકોને પરીક્ષામાં સારું પ્રદર્શન કઇ રીતે કરી શકાય એ અંગે પ્રોત્સાહિત કર્યા હતા.
અંતે તેમણે ઉમેયું હતું કે, આપણાં માટે ગૌરવની વાત છે કે,આજના કાર્યક્રમ થકી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વિદ્યાર્થીઓના મનમાં પરીક્ષાના ભયને દુર કરવા માર્ગદર્શન આપી રહ્યા છે. તેમણે શાળાના શિક્ષકોને ઉદ્દેશીને કહ્યું હતું કે, બાળકોનો ભણતરની સાથોસાથ સર્વાંગી વિકાસ થવો જોઈએ. બાળકોને અભ્યાસ અંગે વધારે પડતું દબાણ આપવાના બદલે તેની આવડત ખીલે તે દિશામાં પ્રયત્નો કરવા જોઇએ.
આ તકે પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વર્ષાબેને સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે, પરીક્ષા અંગે કોઇ પણ વિદ્યાર્થીના મનમાં ભાર ન રહેવો જોઈએ. બાળકો ભાર વગરનું શિક્ષણ મેળવે તે માટે દેશની નવી ક્ષિક્ષણ નીતિ બની છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલા પરીક્ષાના ભયને દૂર કરવા માટે વિદ્યાર્થીઓ સાથેના સંવાદ કાર્યક્રમનું આયોજન ભારત મંડપમ્, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. જેનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. આ ઉપરાંત સમગ્ર જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો વર્ચ્યુઅલ માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા.
કાર્યક્રમમાં કે.કે.કદમના આચાર્યા શ્રીમતી સંગીતાબેન ચૌધરી, જિલ્લા શિક્ષણ નિરિક્ષકશ્રી ગોવિંદભાઇ ગાંગોડા સહિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સ્ટાફ, શાળાના બાળકો, શિક્ષકો, ઉપસ્થિત રહ્યા હતા.
0000