તાપી જીલ્લા કક્ષાની પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી સોનગઢ સાર્વજનિક હાઇસ્કુલ ખાતે કરાઈ
ભારત દેશે આપણા માટે ઘણુ કર્યું છે ત્યારે એક જાગૃત નાગરિક તરીકે દેશ પ્રત્યે પોતાની ફરજ નિભાવીએ.- જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ
–
આજે રૂા.૯૭૦.૯૮ લાખના ખર્ચે ૩૩૪ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાયું છે. જે તાપી જિલ્લાના સમતોલ વિકાસનું માધ્યમ બનશે- જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ
–
ખેતી પ્રધાન જિલ્લા તરીકે સમગ્ર જગત માટે પોષ્ટીક અને ઝેરમુક્ત અનાજ ઉગાડવું એ આપણી ફરજ છે: પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતા જિલ્લા સમાહર્તાશ્રી ડો.વિપિન ગર્ગ
–
જિલ્લા માહિતી કચેરી તથા જિલ્લા આયોજનના સંયુક્ત ઉપક્રમે તાપી જિલ્લાની વર્ષ 2022-23ની વિકાસ વાટીકાનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરાયું
–
પરેડ, માર્ચ પાસ્ટ, ડોગ શો, ટેબ્લોઝ પ્રદર્શન, વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન સહિત શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થયા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.26: દેશના રાષ્ટ્રીય પર્વ ૭૫માં ‘પ્રજાસત્તાક દિન” ની તાપી જિલ્લા કક્ષાની ઉજવણી સોનગઢ તાલુકાની સાર્વજનિક હાઈસ્કૂલ મેદાન ખાતે જિલ્લા સમાહર્તા અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.
આ પ્રસંગે ૭૫માં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવતા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે જણાવ્યું હતું કે, એક તરફ પુરાતન સાંસ્કૃતિની વિરાસત અને બીજી તરફ આધુનિકતાની વિકાસગાથા સાથે તાપી જિલ્લો વિકાસની નવી ઉંચાઇઓને આંબી રહ્યો છે. આજે રૂા.૯૭૦.૯૮ લાખના ખર્ચે ૩૩૪ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત આજે કરાયું છે. જે તાપી જિલ્લાના સમતોલ વિકાસનું માધ્યમ બનશે.
તેમણે પ્રધાનમંત્રી જનમન કાર્યક્રમ, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને ‘વન સેતુ ચેતના યાત્રા’ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી-કર્મચારીઓની સક્રિય ટીમ દ્વારા ઉમદા રીતે પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ સાથે તાપી જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા સોનગઢ કિલ્લા પર પ્રવાસીઓને આકર્ષી શકાય તે માટે ૩ કરોડ ૮૨ લાખના ખર્ચે પ્રવાસન કેન્દ્ર વિકસાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે એમ જણાવ્યું હતું. જિલ્લાની જાહેર જનતાની સુવિધામાં વધારો કરવા તાજેતરમાં સોનગઢ ખાતે રૂપિયા ૩૭૪.૦૯ લાખના ખર્ચે નવિન એસ.ટી. બસ સ્ટેશન તથા ૫૧ નવિન બસોનું લોકાર્પણ કરાયું છે. તાપી જિલ્લાનાં ખેડૂતની જીવાદોરી ગણાતી વ્યારા સુગર ફેક્ટરીની શરૂઆતને સરકારશ્રીનો સંવેદનશીલ નિર્ણય ગણાવ્યો હતો.
શ્રી ગર્ગે સમગ્ર દેશ સહિત તાપી જિલ્લો પણ કૃષિ પ્રધાન જિલ્લો છે. તાપી જિલ્લાના ૧૮૬૩૩ જેટલા ખેડુતો 9485 હેકટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ખેતી પ્રધાન જિલ્લા તરીકે સમગ્ર જગત માટે પોષ્ટીક અને ઝેરમુક્ત અનાજ ઉગાડવું આપણી ફરજ છે એમ કહી સૌને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી.
અંતે તેમણે આઝાદી અને પ્રજાસત્તાક દિનનું મહત્વ સમજાવી આ વર્ષે 2024ની પ્રજાસત્તાક દિનની થીમ “ઇન્ડિયા ધ મધર ઓફ ડેમોક્રસી” છે. 2047 સુધી દેશને વિકસિત બનાવવાની નેમ છે એમ કહી ભારત દેશે આપણા માટે ઘણુ કર્યું છે ત્યારે એક જાગૃત નાગરિક તરીકે દેશ પ્રત્યે પોતાની ફરજ નિભાવીએ એમ જાહેર અપીલ કરી હતી. તેમણે ‘સ્વચ્છતા પ્રેમી’ એવા તાપી જિલ્લાના રહીશોને પોતાની આસપાસ સ્વચ્છતા જાળવવા તથા તાપી જિલ્લો વિકાસના તમામ ક્ષેત્રે અગ્રેસર રહી સમૃધ્ધ બને તે માટે આગામી સમયમાં યોજાનાર ચુંટણીઓમાં પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરવા જાહેર અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, પદ્મશ્રી રમીલાબેન ગામીત, જિલ્લા-તાલુકાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી માટે કુલ-38 નાગરિકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.
નોંધનિય છે કે, જિલ્લાના સમતોલ વિકાસ માટે જિલ્લા આયોજન કચેરીને આજરોજ ૧૦૮ કામોનું રૂા.૪૧૭.૬૫ લાખના ખર્ચે લોકાર્પણ, ૨૨૬ કામો રૂા.૫૫૩.૩૩ લાખના ખર્ચે ખાતમુહુર્ત આમ કુલ ૩૩૪ કામોનું રૂા.૯૭૦.૯૮ લાખના ખર્ચે તાપી જિલ્લાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત આજે કરાયું હતું.
આ સાથે જિલ્લા માહિતી કચેરી તથા જિલ્લા આયોજનના સંયુક્ત ઉપક્રમે તાપી જિલ્લાની વર્ષ 2022-23ની વિકાસ વાટીકાનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરાયું હતું. આ ઉપરાંત મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કિટ વિતરણ કરાયું હતું.
કાર્યક્રમના સ્થળે શ્રી પોલીસ ઇન્સ્પેકટર સુશ્રી બી. બી. ચોવટીયાની આગેવાની હેઠળ પોલીસ પ્લાટુનની પરેડ યોજાઇ હતી. શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ વિભાગ દ્વારા રોમાંચક ડોગ શો રજુ થયા હતા. ઇ.વીએ. મોબાઇલ વાન તથા વિવિધ વિભાગના ટેબ્લોઝ પ્રદર્શન કરાયું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
૦૦૦૦