તાપી જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લા કક્ષાના ૧૪માં”રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી*
મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ તથા સિનિયર સિટીઝન મતદારોનું સન્માન કરાયુ : નવા નોંધાયેલા મતદારોને મતદાન કાર્ડ અપાયા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૫: ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી તરફથી ૨૫ મી જાન્યુઆરી, ૨૦૨૪ને ૧૪ માં “રાષ્ટ્રીય મતદાતા દિવસ” તરીકે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે તાપી જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને વ્યારા આર્ટ્સ & કોમર્સ ખાતે “મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ”ની થીમ સાથે જિલ્લા કક્ષાના ૧૪માં”રાષ્ટ્રીય મતદાતા દિવસ” ની ઉજવણી કરવામાં આવી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા ચુંટણી અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગે‘રાષ્ટ્રીય મતદાતા” દિવસનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, અર્બન વિસ્તરોમાં યુવા વર્ગને પોતાના કિંમતી મત અને પોતે જાગૃત નાગરીક તરીકે લોકશાહીમાં પોતાનું યોગદાન આપવા માટે પ્રેરિત થાય તે માટે ચુંટણી પંચ દ્વારા ૨૫ જાન્યુઆરીએ ‘મતદાતા દિવસ’ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
વધુમાં જણાવ્યું હતું કે, જેમના ૧૮ વર્ષ પુર્ણ થયા હોય અથવા મતદાર યાદીમાં નામ નોંધાવવાનું બાકી હોય તેવા તમામ યુવાનો અને નાગરિકોને મતદાર યાદીમાં નામ નોંધાવી લેવા આગ્રહ કર્યો હતો. દેશના જવાબદાર નાગરિક તરીકે પોતાનો અમુલ્ય મત આપે તે માટે ઉપસ્થિત સૌને અપિલ કરી હતી. આ પ્રંસગે ઉપસ્થિત સૌએ “મતદાનથી વિશેષ કઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ” એમ સંકલ્પ લીધો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે ચૂંટણીલક્ષી અને મતદારયાદીમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મઠ અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ તથા સિનિયર સિટિઝનોને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ નવા મતદારોને EPIC કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી, અધિક નિવાસી કલેકટરશ્રી, નાયબ પોલિસ અધિક્ષકશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, વ્યારા પ્રાંત અધિકારીશ્રી, વ્યારા મામલતદાર તથા ચુંટણી વિભાગના મામલતદારશ્રીઓ/ નાયબ મામલતદારશ્રીઓ, વ્યારા કોલેજના પ્રિન્સિપાલશ્રી સહિત શાળા કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
000