સમગ્ર શિક્ષા અંતર્ગત જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ ઓલપાડ તાલુકાની 32 સરકારી પ્રાથમિક શાળાઓ ઇન્ટરેક્ટિવ ઇ-ક્લાસથી સુસજ્જ બની
આ શૈક્ષણિક પ્રોજેક્ટને શિક્ષક, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ દ્વારા મળી રહ્યો છે બહોળો પ્રતિસાદ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શિક્ષક-વિદ્યાર્થીઓની અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં વર્ગખંડ ઇન્ટરેક્ટિવિટીનો વધારો કરવા ઉપરાંત ટેકનોલોજીનાં માધ્યમથી અધ્યયન, અધ્યાપન અને મૂલ્યાંકન પ્રક્રિયા સુદ્રઢ કરવા, અભ્યાસક્રમનાં દરેક વિષયનાં દરેક એકમની ટેકનોલોજીનાં માધ્યમથી સરળ રીતે સમજૂતી વર્ગખંડમાં જ આપવા સમગ્ર શિક્ષા અભિયાન મિશન (SSA), ગુજરાત દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અમલી કરવામાં આવેલ છે. જે કોમ્પ્યુટર એઇડેડ લર્નિંગ (CAL) ની સંકલ્પનાને ક્લાસરૂમ ઇન્ટરેક્ટિવિટીમાં રૂપાંતરિત કરે છે, જેથી વર્ગખંડોની અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં ઇન્ટરેક્ટિવિટી પ્રાપ્ત થાય અને શાળાનાં ડિજીટલાઇઝેશન દ્વારા અધ્યયન, અધ્યાપન અને મૂલ્યાંકન સુદ્રઢ બને. આ પ્રોજેક્ટ ઓલપાડ તાલુકાની 32 સરકારી પ્રાથમિક શાળાઓમાં લાગુ કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ-5 થી ધોરણ-8 નાં 114 જેટલાં વર્ગખંડોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટ બોર્ડ સાથે ઇન્ટરેક્ટિવ ઇ-ક્લાસ વિકસાવવામાં આવેલ છે.
આ શૈક્ષણિક પ્રોજેક્ટ વિશે વધુ માહિતી આપતાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવેલ હતું કે ટેકનોલોજી આધારિત આ શૈક્ષણિક પ્રોજેક્ટ અંતર્ગત વર્ગખંડો શોર્ટ થ્રો પ્રોજેક્ટર, ઇન્ટરેક્ટિવ વ્હાઇટ બોર્ડ, લેપટોપ, સ્પીકર, લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ (LMS), થયેલ ઉપયોગનાં ટ્રેકિંગ માટેનાં સોફ્ટવેર જેવી સુવિધાઓ ધરાવે છે. જેનાથી વિદ્યાર્થીઓને તેમનામાં IT કુશળતા કેળવી ડિજીટલ કન્ટેન્ટ દ્વારા શીખવાની તક મેળવે છે. મલ્ટીમીડિયા સામગ્રી, વર્ચ્યુઅલ પ્રયોગો અને શૈક્ષણિક વિડીયો સહિત ઇન્ટરેક્ટિવ સાધનોની મદદથી, વિદ્યાર્થીઓ વધુ અસરકારક રીતે ઝડપથી શીખે છે અને મુશ્કેલ સંકલ્પનાની સરળ સમજ મેળવે છે.
રિપોર્ટ: વિજય પટેલ દ્વારા (ઓલપાડ)