ઓલપાડની કરમલા પ્રાથમિક શાળામાં સુભાષચન્દ્ર બોઝની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનાં અગ્રણી નેતા એવાં સુભાષચન્દ્ર બોઝની જન્મ જયંતિની ઉજવણી આજરોજ ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કરમલા પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી. અત્રે પ્રાર્થનાસભામાં યોજાયેલ સંક્ષિપ્ત કાર્યક્રમમાં બાળકો અને શિક્ષકોએ સુભાષચન્દ્ર બોઝની છબીને પુષ્પાંજલિ અર્પી હતી.
શાળાનાં આચાર્ય નિલેશભાઈ પટેલે બાળકો સમક્ષ સુભાષચન્દ્ર બોઝની જીવનગાથા વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે નેતાજીનાં હુલામણા નામથી જાણીતા સુભાષચન્દ્ર બોઝે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજો વિરુદ્ધ લડવા માટે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજનું નેતૃત્વ કર્યું હતું. તેમનાં દ્વારા આપવામાં આવેલ ‘જય હિન્દ’નું સૂત્ર ભારતનું રાષ્ટ્રીય સૂત્ર બની ગયું છે. શાળાનાં ઉપશિક્ષક ગિરીશભાઈ ચૌહાણે બાળકોને આઝાદી પૂર્વેનું પૂરક ભાથુ પીરસી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.