ઓલપાડ ટાઉનની બ્રાન્ચ પ્રાથમિક શાળા દ્વારા એક્સપોઝર વિઝીટ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : દેશની નવી શિક્ષણ નીતિ-2020 વિધાર્થીઓને ક્ષેત્રીય મુલાકાતો તથા સમજપૂર્વકનાં શિક્ષણ ઉપર ભાર મૂકે છે. જેનાં અનુસંધાને ઓલપાડ ટાઉનની બ્રાન્ચ પ્રાથમિક શાળા દ્વારા વિવિધ ક્ષેત્રીય મુલાકાતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાબતે વધુ માહિતી આપતાં શાળાનાં આચાર્ય કપિલા પડાયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવો પૂરા પાડવા માટે શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ ખેતર, તળાવ, સોલાર પ્લાન્ટ વગેરેની મુલાકાતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની સાથે વનભોજન તથા દેશી રમતોનું પણ સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ખૂબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શાળાનાં વિવિધ આયોજન પૈકી તાલકાનાં સરસ ગામે બાળકોની બહુહેતુક મુલાકાત પ્રસંગે ઓલપાડ તાલુકાનાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં. સદર કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં ઉપશિક્ષકો રાજેશ પટેલ, ઇલા પટેલ, પ્રાપ્તિ જોષી, સુષ્મા પટેલ, હર્ષા પટેલ તથા ભાવિન પટેલે ભારે જહેમત ઉઠાવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.