કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા સુબીર તાલુકાના મોખામાળ ગામ ખાતે પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વધઈ) : ડાંગ જીલ્લાના અંતરીયાળ વિસ્તારમાં આવેલ સુબીર તાલુકાના મોખામાળ ગામ ખાતે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ વિષે જાગૃત થાય એ હેતુ થી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમ ૧૫ જાન્યુઆરી ૨૦૨૪ ના દિવસે યોજાઈ. જેમાં ખેતી વિષયક માહિતી આપવા માટે દક્ષિણ ગુજરાતના સાત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ હાજરી આપી હતી તથા તેમના દ્વારા ડાંગ જીલ્લાના ખેડૂતો રસાયણિક ખાતર નો ઉપયોગ છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળે અને કૃષિ યુનિવર્સીટીની તકનીકનો ખેતીમાં મહત્તમ ઉપયોગ કરવા માટે માહિતી આપવામાં આવી હતી. નવસારી કૃષિ યુનિવર્સીટી ના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એન.એમ.ચૌહાણ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં થતા ફાયદા અને યોગ્ય માર્કેટીગ ઉપર ભાર આપી ખેતઉપજને મૂલ્યવર્ધિત કરીને વેચાણ કરવામાં જણાવવામાં આવ્યું હતું. કેન્દ્રના વરિષ્ટ વૈજ્ઞાનિક અને વડા ડૉ.જે.બી.ડોબરીયા દ્વારા પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે વધુ આવક કેવી રીતે મેળવવું તેના વિષે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના બાગાયત વિષયના વૈજ્ઞાનિક હર્ષદ પ્રજાપતિ દ્વારા પ્રાકૃતિક કૃષિ પધ્ધતિના પાંચ આયામો વિશે ઝીણવટ ભરી માહિતી તથા ખેડૂતોને પ્રત્યક્ષ જીવામૃત અને અગ્નિઅસ્ત્ર બનાવવાની તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ કાર્યક્રમમાં સુબીર તાલુકાના મોખામાળ ગામના ૫૦ થી વધુ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પ્રાકૃતિક કૃષિની ઝુંબેશ ને આગળ ધપાવવા તથા પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો સંકલ્પ કર્યો હતો.