સુરત જિલ્લાનાં મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીનાં ઉર્સ મેળાનો ભવ્ય પ્રારંભ
સુસંસ્કારથી જ વ્યક્તિ અને સમાજની શોભામાં અભિવૃદ્ધિ થાય છે : ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.16 ઘેર-ઘેર સંસ્કાર મેળવો, ઘેર- ઘેર ગાય પાળો, વ્યસન મુક્તિ, કોમી- એકતા, ઘેર-ઘેર વૃક્ષ વાવો તેમજ શિક્ષણમેળવો , ભાઈચારાનો સંદેશ આપતી તાલુકા મથક મોટામિયાં માગરોલ મુકામે આવેલ કોમી એકતાનાં દર્શન કરાવતી વર્ષો જૂની ઐતિહાસિક મોટામિયાં માંગરોલની દરગાહ ખાતે પોષ સુદ એકમથી 15 દિવસ સુધી ઉર્સ મેળાનો પ્રારંભ તારીખ 12/1/ 2024 થી થયો છે.
ઉર્સનાં પ્રથમ દિવસે રહેઠાણ પાલેજથી મોટામિયાં માંગરોળની ગાદીનાં હાલનાં ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી તેમનાં સુપુત્ર અને ઉત્તરાધિકારી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી મોટરમાર્ગે વાયા અંકલેશ્વર, વાલીયા, થઈ મોટામિયાં માંગરોળ આવી પહોંચતાં અંકલેશ્વર, વાલીયા તેમજ દરગાહનાં ઐતિહાસિક પ્રવેશદ્વાર પર વિવિધ કોમનાં આગેવાનો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરગાહ કમ્પાઉન્ડમાં પહોંચતાં ત્યાં હાજરી આપી કોમી એકતા અને ભાઇચારાના માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી. બપોરે લગભગ દરગાહ ખાતેથી સંદલનું જુલૂસ નીકળ્યું હતું, જે ગામમાં ફરી દરગાહ ખાતે પરત ફર્યું હતું. ત્યારબાદ દરગાહ શરીફમાં વર્તમાન ગાદીપતિ પીર સલીમુદ્દીન ચિશ્તીનાં હસ્તે સંદલ ચઢાવવામાં આવ્યું હતું.
સદર કાર્યક્રમમાં હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી, ઉપરાંત પીર ડો. મતાઉદ્દીન ચિશ્તી, નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી, બદરુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી સહિત કુટુંબીજનો તેમજ વિદેશથી પધારેલ મેહમાનો પણ જોડાયા હતાં. ઉર્સ દરમિયાન દરગાહ શરીફને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવી હતી. ઉર્સમાં વિવિધ પ્રકારની ચકડોળ, દુકાનો ખાણીપીણીનાં સ્ટોલો આવેલાં છે. ઉર્સ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય રહે એ માટે પોલીસ દ્વારા પણ ખૂબ સારો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. આ પ્રસંગે હાલનાં ગાદીપતિએ સૌને સૌહાર્દભર્યું વાતાવરણ અને સુસંસ્કાર કેળવાય એ દિશામાં પ્રયત્નશીલ રહી તમામ શ્રધ્ધાળુઓ અને સમગ્ર વહિવટી તંત્રનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.