પાંચપીપળા ખાતે મોબાઈલ પશુ દવાખાનાનો લોકાર્પણ સમારોહ યોજાયો

Contact News Publisher

રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના વરદ હસ્તે મોબાઈલ પશુ દવાખાનાનું પ્રસ્થાન

અબોલ પશુઓની વેદનાને સમજે ત્યારે જ એ સાચો પશુપાલક કહેવાયઃ  રાજ્યકક્ષા આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૧૩- તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પાંચપીપળા ગામે આજરોજ રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના વરદ હસ્તે મોબાઈલ પશુ દવાખાનાનું લોકાર્પણ અને પ્રસ્થાન કરાવાયું હતું. અંતરિયાળ એવા આ વિસ્તારના ૧૦ ગામોના પશુપાલકોને સરકારશ્રીની ફરતા પશુ દવાખાનાની સેવાનો લાભ મળશે.
આદિજાતિ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ પાંચપીપળા દુધ મંડળી ખાતે પશુપાલકોને સંબોધતા જણાવ્યું હતું કે પશુપાલકો અને ખેડૂતો પોતાના પશુઓ તંદુરસ્ત હોય ત્યારે જ સમૃધ્ધ બની શકે છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી એ જેમ માનવીઓની ચિંતા કરી છે એવી જ રીતે પશુઓની પણ ચિંતા કરી છે. અબોલ પશુઓની વેદનાને સમજે ત્યારે જ એ સાચો પશુપાલક કહેવાય. માત્ર પૈસા માટે જ નહીં પરંતુ પોતાના પશુઓ નિરોગી રહે એ પશુપાલકનું કર્તવ્ય છે. સરકાર યોજનાની મદદથી આપના પશુઓની પણ કાળજી રાખે છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આદિજાતિ વિભાગમાંથી રૂપિયા ૯૦ હજારની સબસીડી મળી રહેશે. હવે તમારે કોઈ ડોકટર શોધવા નહીં જવુ પડે માત્ર ૧૯૬૨ ઉપર કોલ કરશો એટલે મોબાઈલ વાન આપના આંગણે હાજર થશે. મારા જ વિભાગમાંથી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ ડોકટર અને એન્જીનીયર બનવા માટે રૂા.૧૫લાખની ૪ ટકાના નીચા દરે લોન સહાય આપવામાં આવે છે. પાઈલોટ બનવા રૂા.૨૫ લાખની લોન સહાય આપવામાં આવે છે. હવે યુવાનો આર્થિક રીતે પગભર બની રહે તે માટે જેસીબી,હિટાચી મશીનો માટે પણ ગુજરાત સરકાર ધિરાણ અને રૂા.૧૨ લાખની સહાય આપશે.
નાયબ પશુપાલન નિયામક ડો.બી.એચ.શાહે સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે આ મોબાઈલ વાન કુલ ૧૦ ગામો આવરી લેશે જેમાં પાંચપીપળા મુખ્યમથક રહેશે,શિશોર,ભાણપુર, જમાપુર, વેલઝર,વેકુર, વાઘનેરા, અગાસવાણ,ચાકળીયા અને ચીખલી ભેંસરોટ ગામના પશુપાલકોને મફત અને નિઃશુલ્ક આ સેવાનો લાભ મળશે. તાપી જિલ્લામાં પહેલા ૧૪ જેટલી મોબાઈલવાન હતી આજે નવી બે મોબાઈલવાન પાંચપીપળા અને ડોલવણ ખાતે લોકાર્પણ થયું છે. આ યોજનાનો લાભ કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી મળ્યો છે. ત્યારે આપના પશુઓ તંદુરસ્ત અને નિરોગી રહે તે માટે તમામ પશુપાલકે તેનો લાભ લેવો જોઈએ
આ પ્રસંગે પ્રાથમિક શાળાની કન્યાઓએ પ્રાર્થના, સ્વાગત અને આદિવાસી નૃત્ય કરી આનંદના વધામણા કર્યા હતા. મંત્રીશ્રીએ વિદ્યર્થીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહન આપ્યું હતું. ગામના સરપંચ અનિલભાઈ,વિક્રમભાઈ,માંડવી એપીએમસીના કનુભાઈ,તાલુકા સદસ્ય કમળાબેન સહિત મોટી સંખ્યામાં સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other