ઓલપાડનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર સાંધિયેર સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભારતીય સંસ્કૃતિથી વિશ્વને પરિચિત કરનાર અને વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડનાર સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી ઓલપાડનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, સાંધિયેર સંલગ્ન પ્રાથમિક શાળાઓ સાંધિયેર, અટોદરા, કરમલા, કોસમ, અછારણ, શેરડી તથા પરીયામાં ઉમળકાભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે તમામ શાળાઓમાં બાળકોએ સ્વામી વિવેકાનંદની છબીને, પ્રતિમાને કુમકુમ તિલક કરી આશીર્વાદ લીધા હતાં. શિક્ષકો દ્વારા બાળકોને ‘ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ નાં સૂત્ર સાથે વિવેકાનંદનાં જીવન ચરિત્રથી અવગત કરવામાં આવ્યા હતાં.
સ્વામી વિવેકાનંદનાં વિચારોથી બાળકોનું ઘડતર થાય અને ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં પ્રસિદ્ધ રહે તે હેતુથી નિબંધલેખન તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ઉજવણીનાં ભાગરૂપે કેટલીક શાળાનાં બાળકો સ્વામી વિવેકાનંદની વેશભૂષા ધારણ કરી આનંદિત થયા હતાં. આ પ્રસંગે સી.આર.સી. કો-ઓર્ડિનેટર તેજસ નવસારીવાલાએ યુગ પુરૂષ વિવેકાનંદનાં જીવનકાળને ટાંકીને ચારિત્ર્ય નિર્માણ અને મૂલ્ય આધારિત શિક્ષણ પર ભાર મૂકવા શિક્ષકમિત્રોને અનુરોધ કર્યો હતો. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.