ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા કચ્છ જિલ્લાનાં નખત્રાણા ખાતે યોજાઈ
સભામાં ઉપસ્થિત અબડાસાનાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ શિક્ષકો અને શિક્ષણનાં પ્રશ્નો ઉકેલવા અંગે હકારાત્મક વાત ઉચ્ચારી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા અખિલ કચ્છ કડવા પાટીદાર કુમાર છાત્રાલય, નખત્રાણા જિ. કચ્છ ખાતે યોજવામાં આવી હતી. આ સભામાં અબડાસાનાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે દીપ પ્રજ્વલન કરીને સભાનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલ આ સભામાં રાજ્યનાં તમામ જિલ્લા સંઘોનાં પ્રમુખ, મહામંત્રી, રાજ્ય સંઘનાં હોદ્દેદારો ઉપરાંત રાજ્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
સભાનાં પ્રથમ શેષનમાં તાજેતરમાં અવસાન પામેલ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ સ્વ. રામપાલસિંહ, રાજ્યસંઘનાં પૂર્વ પ્રમુખ સ્વ.દિલીપસિંહ ગોહિલ તથા નખત્રાણાનાં કાર્યાધ્યક્ષ સ્વ.અરજણ સાધુને બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્થાનિક શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરીને જ્યારે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ નયનસિંહ જાડેજાએ શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર્યા હતાં. સિનિયર મંત્રી પ્રભાતસિંહ ખાંટે ગત એજન્ડાનું વાંચન કર્યુ હતું જ્યારે નાણાંમંત્રી રણજીતસિંહ પરમારે હિસાબો રજૂ કર્યા હતાં. ત્યારબાદ સભાનો દોર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી સતિષભાઈ પટેલે સંભાળ્યો હતો અને એજન્ડા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સદર સભામાં ઉપસ્થિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે આ કારોબારી સભાનાં દ્વિતીય શેષનમાં પ્રાથમિક શિક્ષકોને સ્પર્શતાં વિવિધ પ્રશ્નો જેવાં કે જૂની પેન્શન યોજના ચાલુ કરવા કાર્યક્રમ આપવા, જ્ઞાન સહાયકનાં બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવા, HTAT નાં બદલીનાં નિયમો સત્વરે બહાર પાડવા, CPF કપાત 10 ની સામે 14 % કરવા, મુ.શિ. એલાઉન્સ અને કન્ટીજન્સી દરોમાં વધારો કરવા, BLO માં અન્ય કેડરનાં કર્મચારીઓને સમાવવા, બદલી થયેલ શિક્ષકોને છૂટા કરવા, PFMS અને પ્રેસા સોફ્ટવેરમાં પડતી મુશ્કેલીઓ નિવારવા, ઓનલાઇન કામગીરીનું ભારણ ઘટાડવા, નોન SOE સ્કૂલોમાં વૈકલ્પિક વ્યવસ્થાનાં ભાગરૂપે જ્ઞાન સહાયકોને મૂકવા, શિક્ષક જ્યોત સભ્ય સંખ્યા વધારવા, તાલુકા અને જિલ્લા કક્ષાની શિક્ષણ શાખાની કચેરીઓમાં પૂરતો સ્ટાફ ફાળવવા, ચિત્રકૂટ એવોર્ડ જેવી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
અંતમાં આભારવિધિ કચ્છ જિલ્લા પ્રાથમિક સંઘનાં મહામંત્રી કેરણા આહિરે આટોપી હતી. સભાને સફળ બનાવવા નખત્રાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ રામુભા જાડેજા અને મહામંત્રી ઘનશ્યામ પટેલ સહિત સૌ હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.