ડોલવણના અંતાપુરના વિકલાંગ ચૌધરી બોદાભાઈ દેસાઈભાઈની વ્હારે આવ્યું જિલ્લા વહીવટીતંત્ર
સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓની શક્ય એટલી તમામ મદદ માટે જીલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ નો સંવેદનશીલ અભિગમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૯- તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના અંતાપુર ગામ ખાતે રહેતા ચૌધરી બોદાભાઈ દેસાઈભાઈ કુદરતી રીતે નજીવી ઉંચાઈ ધરાવે છે. જેઓની આશરે ૫૫ થી ૬૦ જેટલી ઉંમર છે અને તેવો ઠીંગણાપણાને કારણે સરળતાથી રોજીંદુ કાર્ય કરી શકતા નથી. જેથી તેઓ શારિરીક રીતે વિકલાંગ છે. તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ ને બોદાભાઈની માહિતી મળતા તુરંત સંવેદનશીલ અભિગમ અપનાવી તેમના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્રને અંતાપુર ગામે મોકલ્યું હતું. ડોલવણના મામલતદારશ્રી નવીનભાઈ ચૌરાએ અંતાપુર ગામે જઈ રૂબરૂ મુલાકાત લઈ બોદાભાઈને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓની શક્ય એટલી તમામ મદદ માટે કટીબધ્ધતા વ્યક્ત કરી હતી.
બોદાભાઈને સંપર્ક કરતા તેમની કૌટુંબિક પરિસ્થિતિ જાણવા મળેલ છે કે તેઓએ લગ્ન કરેલ ન હોવાથી તેઓના કૌટુંબિક ભાઈના દિકરાઓ સાથે રહે છે. ચોમાસા દરમિયાન તેઓનું કાચુ મકાન પડી જવાના કારણે તાલુકા પંચાયત કચેરી ડોલવણ તરફથી રૂપિયા ૪૧૦૦/-ની સહાય મળેલ છે.
સરકારશ્રીની યોજનાઓ આપવામાં સૌપ્રથમ મુશ્કેલી એ આવી હતી કે તેમની પાસે આધારકાર્ડ જ ન હતો. સરકારશ્રીની તમામ યોજનાઓ માટે આધારકાર્ડ જરૂરી છે. વળી ચૌધરી બોદાભાઈ દેસાઈભાઈનું બેંકમાં ખાતુ ન હોવાના કારણે સદરહુ રકમ તેઓના ભાઈની પુત્રવધુ સંગીતાબેન નીમનભાઈના ખાતામાં જમા કરાવેલ છે. હાલ તેઓ તેમના ભાઈના ઘરમાં રહે છે. અને તેઓને જમવાનું ભોજન તેમના ભત્રીજા નીમનભાઈ જકનભાઈ તરફથી આપવામાં આવે છે.
બોદાભાઈએ આધારકાર્ડ અંગે ૨૦૧૬માં પ્રયત્ન કરેલ પરંતુ થમ્બ ઇમ્પ્રેશન ન આવવાના કારણે આધારકાર્ડ નીકળી શક્યું ન હતું. ત્યાર બાદ બે માસ પહેલા જિલ્લા કક્ષાએ ગયેલ પરંતુ આ વખતે પણ થમ્બ ઇમ્પ્રેશન ન આવવાના કારણે આધારકાર્ડ નીકળી શક્યું ન હતું. જેથી ફરીથી તા.૨૭/૧૨/૨૦૨૩ ના રોજ કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ બોદાભાઈને સરકારશ્રીની શક્ય એટલી તમામ કલ્યાણકારી યોજનાનો લાભ આપવા વહીવટીતંત્રને સૂચના આપી હતી.પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયા સહિત ડોલવણ મામલતદાર તેમના સ્ટાફ સાથે બોદાભાઈની વ્હારે આવ્યા શ્રી બોદાભાઈને આધારકાર્ડ માટે જિલ્લા કચેરી વ્યારા ખાતે રૂબરૂ લઈ જવામાં આવ્યા અને તેઓની પાસે મતદારયાદી ઓળખકાર્ડ છે. જેના આધારે આધારકાર્ડનું રજીસ્ટ્રેશન કરાવેલ છે.આમ અથાગ પ્રયાસો થકી રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે. આધારકાર્ડ તૈયાર થયેથી તેઓને NFSA યોજનામાં સામાવિષ્ટ કરી રેશનકાર્ડ આપવામાં આવશે. જેથી દર માસે તેઓને વિના મુલ્યે અનાજ મળી રહેશે. તેઓની પાસે મતદારયાદી ઓળખકાર્ડ છે. જેના આધારે આધારકાર્ડનું રજીસ્ટ્રેશન કરાવેલ છે. તેમા જન્મ તારીખ.૦૧/૦૧/૧૯૬૫ . જણાવેલ છે. પરંતુ તેઓને PHC દ્વારા ઉંમર અંગે ચકાસણી કરાવી ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર હોય તો વૃધ્ધ પેન્શન યોજનાનો પણ લાભ આપવામાં આવશે.આમ બોદાભાઈને આરોગ્ય તથા જીવન જરૂરી યોજનાઓનો લાભ સત્વરે પુરો પાડવા જિલ્લા વહીવટી તંત્રએ ભગિરથ પ્રયાસ હાથ ધર્યો છે.
૦૦૦૦૦૦૦૦૦