ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીતના અધ્યક્ષસ્થાને ચિમેર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો
સોનગઢ તાલુકાના ચિમેર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન
–
ગ્રામજનો સહિત ધારાસભ્યશ્રીએ આરોગ્ય કેમ્પમાં આરોગ્ય તપાસણીનો લાભ લીધો
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૮: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અન્વયે તાપી જિલ્લામાં ગામડે-ગામડે વિકસિત ભારત રથયાત્રામાં લોકોને વિવિધ યોજનાઓની જાણકારી મળી રહી છે. તાપી જિલ્લામાં ઉત્સાહભેર ગ્રામજનો વિકસિત ભારત સંકલ્પ રથયાત્રામાં સહભાગી બની રહ્યા છે. ત્યારે આજે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના છેવાડે આવેલ ચીમેર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ધારાસભ્યશ્રી ડો.જયરામભાઇ ગામીત સહિત ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી લઇ કુમકુમ તિલકથી ભવ્ય સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં ગ્રામજનો સહિત ધારાસભ્યશ્રીએ તેમની આરોગ્ય તપાસણી કરાવી હતી. આ ઉપરાંત વિવિધ યોજનાકિય સ્ટોલ નિદર્શન કર્યું હતું. કાર્યક્રમના અંતે ડ્રોન દ્વારા નેનો યુરિયા છંટકાવ નિદર્શન પણ કરાયું હતું.
આ સાથે મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો-સહાય વિતરણ કરાયા હતા. મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાની સફળતાની વાત વર્ણવી હતી.
કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ‘ધરતી કહે પુકાર કે’ પ્રાકૃતિક કૃષિ નુક્કડ- નાટક તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા.
આ પ્રસંગે સોનગઢ તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, સોનગઢ મામલતદાર તેમજ સોનગઢ ટીડીઓશ્રી તથા આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
000000