ઓલપાડની કરંજ કેન્દ્ર સંલગ્ન મીરજાપોર તથા મોર મુખ્ય પ્રાથમિક શાળામાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુરુ ગોવિંદ સિંહજીનાં પુત્રોની શહાદતને યાદ કરવા માટે દેશભરની સાથોસાથ ઓલપાડ તાલુકાની કરંજ કેન્દ્ર સંલગ્ન મીરજાપોર તથા મોર મુખ્ય પ્રાથમિક શાળામાં ‘વીર બાલ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બંને પ્રાથમિક શાળાઓમાં નિબંધ લેખન, વક્તૃત્વ તેમજ ચિત્ર સ્પર્ધાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગત વર્ષથી બહાદુર સાહિબજાદાઓનાં અમર બલિદાનને યાદ કરવા ‘વીર બાળ દિવસ’નાં રૂપમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. ત્યારે બંને શાળાઓનાં આચાર્ય અંજના પટેલ (મીરજાપોર) તથા ઉપશિક્ષિકા સોનલ બ્રહ્મભટ્ટ તેમજ હિતેશ પટેલ (મોર મુખ્ય) તથા ઉપશિક્ષિકા શાહીન ખાટીકે ગુરુ ગોવિંદ સિંહનાં પુત્રોને યાદ કરીને પ્રાર્થનાસભામાં તેમની બહાદુરી અને હિંમતની ગાથા બાળકો સમક્ષ વર્ણવી તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ધર્મ પરિવર્તનને બદલે શહીદી પસંદ કરનાર વીર બાળકોની ગાથા સાંભળી સૌ બાળકો અભિભૂત થયા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.