કે.વિ.કે. વ્યારા દ્વારા ટેક્નોલોજી સપ્તાહની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સીટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે કાર્યરત છે. સદર કેન્દ્ર દ્વારા તા. ૧૫/૧૨/૨૦૨૩ થી ૨૧/૧૨/૨૦૨૩ દરમ્યાન ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં કૃષિલક્ષી વિવિધ વિષયોને આવરી લેતા કેવિકેના વૈજ્ઞાનિકશ્રીઓ તેમજ કૃષિક્ષેત્રના તજજ્ઞો દ્વારા ખેડુતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં તાપી જીલ્લાના જુદા જુદા ગામોથી કેવિકે-વ્યારા ખાતે પધારેલ ૩૪૩ ખેડુત ભાઇઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ર્ડા. સી. ડી. પંડ્યાએ કાર્યક્રમનો હેતુ સમજાવી ખેડૂતોને આવકાર્યા હતા અને ટેક્નોલોજી સપ્તાહમાં કૃષિલક્ષી વિષયો ઉપર આપવામા આવનાર માર્ગદર્શનની અગત્યતા સમજાવી હતી. વધુમાં ડૉ. પંડયાએ ખેડૂતોને નવીનતમ ટેક્નોલોજીઓથી અવગત રહેવા અને ખેતીમાં વૈજ્ઞાનિક પધ્ધતિઓ અપનાવવા હાકલ કરી હતી.
ટેકનોલોજી સપ્તાહ દરમિયાન ખેડૂત શિબિરો, કેન્દ્રીય તાલીમો, ખેડૂત વૈજ્ઞાનિક ચર્ચા અને ખેડૂત કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ હતું. સદર કાર્યક્રમમાં જુદા જુદા ખેતી વિષયો જેવા કે શિયાળુ પાકોમાં સંકલીત રોગ જીવાત નિયંત્રણ, પોષક અનાજ (મિલેટ્સ)નું આહારમાં મહત્વ અને નાગલીની વિવિધ બનાવટો, વેલાવાળાં શાકભાજી અને ભીંડાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ, દૂધાળા પશુઓમાં આહાર વ્યવસ્થાપન, નવીનતમ ખેતી પદ્ધતીઓ અને કૃષિલક્ષી સરકારી યોજનાઓ, ઊર્જા બચાવો જેવા વિષયો ઉપર અનુક્રમે ડો. એચ. આર. જાદવ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ), પ્રો.આરતી એન. સોની, વૈજ્ઞાનિક(ગૃહવિજ્ઞાન), ડૉ. ધર્મિષ્ઠા પટેલ, વૈજ્ઞાનિક (બાગાયત), ડૉ. જીગર બુટાણી, વૈજ્ઞાનિક (પશુવિજ્ઞાન), ડૉ. એ. જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ), પ્રો. કે. અને એન. રણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં શ્રી તુષાર ગામીત, નાયબ બાગાયત નિયામક, તાપીએ બાગાયતી પાકોમાં વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી તેમજ કૃષિ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ ઈફકો (IFFCO), કૃભકો (KRIBHCO) અને ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (GEDA) ના અધિકારીશ્રીઓ દ્વારા ખેડૂત ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને કેવિકે-તાપીના જુદા જુદા નિદર્શન એકમોની મુલાકાત કરાવવામાં આવી હતી અને અંતે ખેડૂતોના કૃષિલક્ષી પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.