ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કીમ ઝોન ચેમ્પિયન
ઓલપાડ ઝોન તરફથી રમતાં તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવીનો ઓલરાઉન્ડર દેખાવ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકો માટે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ કાંઠા વિસ્તાર સ્થિત ભાંડુત ગામનાં ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી. ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજીત આ દશમી ક્રિકેટ ટુર્નામેન્ટ ઓલપાડ, કુદિયાણા અને કીમ એમ ત્રણ ઝોનમાં રમાડવામાં આવી હતી. જેમાં તાલુકાનાં પ્રાથમિક શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ટુર્નામેન્ટનાં ઉદ્ઘાટન પ્રસંગે સૌને સંબોધતાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું હતું કે બાળકોનાં સર્વાંગી વિકાસ કાજે હરહંમેશ પ્રયત્નશીલ શિક્ષકો પોતાનાં રૂટિન કાર્યબોજ વચ્ચે હળવાશ અનુભવે એ માટે આવા વિશેષ આયોજનો સાર્થક નીવડે છે. વળી આ પ્લેટફોર્મ શિક્ષકો-શિક્ષકો વચ્ચે નવા સંબંધો પણ પ્રસ્થાપિત કરે છે. પરસ્પર નવાચારનાં આદાનપ્રદાન થકી તેમનામાં કાર્ય કરવાનું ચોકકસ નવું બળ ઉમેરાય છે. આ સાથે ઓલપાડનાં તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવીએ પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરી શાળામાં શિક્ષણની સાથોસાથ પોતાનાં બાળકોને પણ રમત ક્ષેત્રે નવી દિશા ચીંધવા અનુરોધ કર્યો હતો.
ટુર્નામેન્ટની તમામ લીગ મેચો બાદ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ઓલપાડ ઝોન અને કીમ ઝોનની ટીમ ટકરાઈ હતી. કીમ ઝોનનાં કેપ્ટન પરેશ પટેલ (વડોલી પ્રાથમિક શાળા)એ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતાં કીમ ઝોનની ટીમે નિર્ધારિત 9 ઓવરમાં 5 વિકેટે 79 રન કર્યા હતાં. ઓલપાડ ઝોન આ લક્ષ્યાંકનો પીછો કરતાં 10 ઓવરમાં 8 વિકેટ ગુમાવી ફક્ત 48 રન બનાવી શકી હતી. આમ આ આંતર ઝોન ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કીમ ઝોનની ટીમ ચેમ્પિયન બની હતી. ટુર્નામેન્ટનાં અંતે કુડસદ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષક હિરેન પટેલ ‘બેસ્ટ બોલર’ તરીકે તથા કન્યાસી પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષક ચિંતન પટેલ ‘બેસ્ટ બેટસમેન’ તરીકે જાહેર થયા હતાં. જયારે ઓલપાડ ઝોન તરફથી રમતાં તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવી ‘મેન ઓફ ધી સિરિઝ’ ઘોષિત થયા હતાં.
અંતમાં મહાનુભાવોનાં હસ્તે વિજેતાઓને વિવિધ ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીન પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષક પ્રાથમિક સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર તથા હોદ્દેદારો, ઓલપાડ તાલુકા પ્રાયમરી ટીચર્સ સોસાયટીનાં સેક્રેટરી ભરત પટેલ તથા શશીકાંત પટેલ, ભાંડુત ગામનાં ડેપ્યુટી સરપંચ હેમંત પટેલ, માજી સરપંચ બળવંત પટેલ, કોળી પટેલ સમાજનાં અગ્રણી જયંતિ પટેલ તેમજ ગ્રાઉન્ડ ઓર્ગેનાઇઝર કિશોર પટેલે ઉપસ્થિત રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. મોટી સંખ્યામાં ઉપસ્થિત દર્શકોએ પણ આ ટુર્નામેન્ટ મન ભરીને માણી હતી.
આરંભથી અંત સુધી ટુર્નામેન્ટને આનંદદાયી બનાવીને તેને સફળતાપૂર્વક સંપન્ન કરવા લવાછાચોર્યાસી પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષકો અને યજમાન ગામનાં વતની એવાં કનૈયા પટેલ તથા પંકજ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી. ટુર્નામેન્ટમાં કોમેન્ટ્રેટર તરીકે વેલુક પ્રાથમિક શાળાનાં મુખ્યશિક્ષક દિનકર પટેલે ઉત્કૃષ્ટ સેવા આપી હતી. અંતમાં આભારવિધિ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલે આટોપી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.