તાપી જિલ્લાકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા માટે અરજી મોકલવાની છેલ્લી તારીખ આગામી ૨૬ ડિસેમ્બર ૨૦૨૩
બાળકલાકારોને ૧૩ જેટલી સ્પર્ધાઓમાં ભાગ લઇ પોતાની કલાનું પ્રદર્શન કરવા અનુરોધ કરાયો
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૮: ગુજરાત સરકારશ્રીનાં રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ,ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી,તાપી દ્વારા સંચાલીત “જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તેમજ જિલ્લાકક્ષા બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા :૨૦૨૩-૨૪” નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં અ વિભાગ- ૦૭ થી ૧૦ વર્ષ સુધીના, બ વિભાગ- ૧૦ થી ૧૩ વર્ષ સુધીના અને ખુલ્લો વિભાગ – ૦૭ થી ૧૩ વર્ષ સુધીના એમ ૦૩(ત્રણ) વયજુથનાં સ્પર્ધકો ભાગ લઈ શકશે. જેમાં સ્પર્ધકની ઉંમર તા.૩૧/૧૨/૨૦૨૩ની સ્થિતિ એ ગણવાની રહેશે.
બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં અ અને બ વિભાગમાં વક્તૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી, લગ્નગીત, લોકવાદ્ય સંગીત, એકપાત્રીય અભિનય એમ ૦૭ (સાત) સ્પર્ધાઓ તેમજ ખુલ્લા વિભાગમાં દોહા-છંદ-ચોપાઈ, લોકવાર્તા, લોકગીત, ભજન, સમુહગીત, લોકનૃત્ય એમ ૦૬(છ) સ્પર્ધાઓ મળી કુલ ૧૩ સ્પર્ધાઓ જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા,અને રાજયકક્ષા એમ ક્રમશ: આયોજન કરવામાં આવ્યું છે.
બાળ પ્રતિભા શોધ સ્પર્ધા:૨૦૨૩-૨૪ માં ભાગ લેવા ઈચ્છતાં તાપીના સ્પર્ધકોએ અરજીફોર્મમાં પોતાની સંપૂર્ણ વિગત ભરી આધારકાર્ડ અને બેંક પાસબુકનાં પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ સાથે “પ્રતિ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, તાપી, બ્લોક નં,૬ પ્રથમ માળ, જિલ્લા સેવા સદન પાનવાડી, વ્યારા.જિ.તાપી ખાતે તા.૨૬/૧૨/૨૦૨૩ સુધીમાં રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાની રહેશે. આ સ્પર્ધા આગામી ૨૯/૧૨/૨૦૨૩ના રોજ શ્રીમતી કે.કે.કદમ કન્યા વિદ્યાલય વ્યારામાં યોજવામાં આવશે.
જેમાં વધુમાં વધુ બાળકલાકારોને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ પોતાની કલાનું પ્રદર્શન કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, અમૃતા ગામીતની અખબારી યાદીમાં અનુરોધ કરાયો છે.
૦૦૦૦૦૦૦૦૦