કાકરાપાર અણુવિદ્યુત પરિયોજનાના એકમ-૪ દ્વારા પ્રથમ ક્રાંતિકતા હાંસલ કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત રાજ્યના સુરત જિલ્લાનાં મોટીચેર ખાતે આવેલ સ્વદેશ નિર્મિત ૭૦૦ મેગાવોટ પ્રેસરાઇઝ્ડ હેવી વોટર રીએક્ટર (પીએચડબલ્યુઆર), કાકરાપાર અણુવિદ્યુત મથકના એકમ-૪ દ્વારા આજ 17 ડિસેમ્બર 2023 ના રોજ 01:17 કલાકે તેની પ્રથમ ક્રાંતિકતા – criticality (પ્રથમવાર નિયંત્રિત સ્વપોષી પરમાણુ વિખંડન શૃંખલા પ્રતિક્રિયા) હાંસલ કરવામાં આવી છે.
કેએપીપી એકમ-૪, ૭૦૦ મેગાવોટ ભારતીય પીએચડબલ્યુઆર (PHWR) ની શ્રુંખલાનું બીજું રિએક્ટર છે. કેએપીપી એકમ-૩, આ પ્રકારનું પહેલું ૭૦૦ મેગાવોટ રિએક્ટર છે જે હાલમાં તેની સંપૂર્ણ ક્ષમતા પર વિદ્યુત ઉત્પાદન કરી રહ્યું છે. આ રીએક્ટરને સ્વદેશીરૂપે ભારતીય વૈજ્ઞાનિકો અને ઇજનેરો દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ છે. રીએક્ટરના વિવિધ ઉપકરણોનું નિર્માણ ભારતીય ઉદ્યોગો દ્વારા કરવામાં આવેલ છે. નિર્માણ અને સ્થાપનનું કાર્ય ભારતીય ઇજારદારો દ્વારા કરવામાં આવેલ છે. રિએક્ટરની ડિઝાઇન અને બાંધકામ વિશ્વના શ્રેષ્ઠ રિએક્ટરની તુલનામાં ઉચ્ચતમ સલામતી અને ગુણવત્તાના ધોરણો અનુસાર કરવામાં આવ્યા છે.
સ્વદેશી 700 મેગાવોટ પીએચડબલ્યુઆર માં સ્ટીલ લાઇન્ડ આંતરિક કન્ટેઈનમેન્ટ, પેસિવ ડિકે હીટ રિમૂવલ સિસ્ટમ, કન્ટેઈનમેન્ટ સ્પ્રે સિસ્ટમ, હાઈડ્રોજન મેનેજમેન્ટ સિસ્ટમ વગેરે જેવી અદ્યતન સુરક્ષા સુવિધાઓ છે. એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (AERB) દ્વારા કરવામાં આવેલ ગહન સમિક્ષા બાદ પ્રાપ્ત થયેલ મંજૂરી પછી, રિએક્ટર કોરનું ઇંધણ લોડિંગ ઓક્ટોબર-2023 સુધીમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમયસૂચી મુજબ અનેક કમિશનિંગ પરીક્ષણો અને પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી. એનપીસીઆઈએલ, ઇજારદારો, એઇઆરબી, અણુ ઉર્જા વિભાગનાં અન્ય એકમો અને વિવિધ કેન્દ્રીય, રાજ્ય અને સ્થાનિક તંત્ર વચ્ચે ઉત્તમ સંકલન અને સહકારથી આ કાર્ય સિદ્ધ કરી શકાયું છે.
આગલા ચરણમાં, વિવિધ પ્રયોગો/પરીક્ષણો હાથ ધરવામાં આવશે અને મથકની પાવર ક્ષમતામાં ક્રમશ: વધારો કરવામાં આવશે, ત્યાર બાદ વેસ્ટર્ન પાવર ગ્રીડ સાથે જોડવામાં આવશે. આ એકમ દેશનું 24મું ન્યુક્લિયર પાવર રિએક્ટર છે.
એનપીસીઆઈએલનાં વધુ છ રિએક્ટર-આરએપીપી- 7 અને 8 (2X700 MW), કેકેએનપીપી-3 અને 4 (2X1000 MW) અને જીએચએવીપી-1 અને 2 (2X700 MW) બાંધકામ હેઠળ છે. આ રિએક્ટર આગામી વર્ષથી પૂર્ણ થવાની અને પ્રગતિશીલ ક્રાંતિકતા પ્રાપ્તિ ની અપેક્ષા છે.
* * *