પ્રજાકીય પ્રશ્નોનો સમયસર, ઝડપી અને સુચારુ ઉકેલ લાવવા અનુરોધ કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ
તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૬- તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ,વ્યારા ખાતે આજરોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષપણા હેઠળ ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પ્રજાકીય પ્રશ્નોનાં સમયસર, ઝડપી અને સુચારુ ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો.
તાપી સંકલન સમિતિની બેઠકમાં જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાતા લોકપ્રશ્નોનું અગ્રીમતાના ધોરણે નિરાકરણ લાવવા અને ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લાને વિકસિત બનાવવાની નેમને સાકાર કરવાં વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપતા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રજાકીય પ્રશ્નોનાં સમયસર, ઝડપી અને સુચારુ ઉકેલ લાવવા જરૂરી છે. નિવૃત્ત થનાર કર્મચારીઓના પ્રોવિઝનલ પેન્શન મંજુર કરવાની સાથે સાથે કચેરીમાં રહેલા પડતર કાગળો અંગે પણ તપાસ કરવા જણાવ્યું હતું.
તેમણે ધારાસભ્યશ્રીઓને એમના પ્રશ્નોના જવાબ સમયસર મળી જાય એ માટે અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. સંકલનની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રિવ્યુ કરવામાં આવ્યો હતો અને અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપવામાં આવ્યો હતો.
બેઠકમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીએ વિવિધ વિસ્તારોમાં પ્રજા દ્વારા રજુઆત કરાતા પ્રશ્નો જેવા કે, નળથી જળને લગતી સમસ્યા અંગે સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
આ બાબતને લઇ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સંબંધિત વિભાગને યોગ્ય પગલા લેવા અને સરકાર સહિત ગુજરાત પાણી પુરવઠા વિભાગનો પણ ધ્યેય હોય આ અંગે ગંભીરતા દાખવી લોકોને પાણી મળી રહે તે રીતે કામગીરી પુર્ણ કરવા તાકીદ કરી હતી.
સંકલનની બેઠકમાં આ સાથે નાગરિક અધિકાર,અધિકારી-કર્મચારીઓના નિવૃત્તિ પેન્શન કેસો,એ.જી. ઓડિટ પારા, સરકારી વસુલાત, ખાતાકિય તપાસ, સાંસદશ્રી/ધારાસભ્યશ્રીઓ તરફથી મળેલ સંદર્ભ પત્રો,જેવા મુદ્દાઓની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
સંકલન સમિતિની આ બેઠકમાં વ્યારા પ્રાંત સાગર મોવાલીયા, નિઝર પ્રાંત અધિકારીશ્રી જયકુમાર રાવલ, સહિત તમામ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦