વ્યારા ખાતે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં ” દિશાની ” બેઠક યોજાઇ
તાપી જિલ્લામાં કોઇ ઇન્ડસ્ટ્રી નથી ત્યારે સ્થાનિક લોકો ટેન્ડરીંગ કરે તો તેઓને પ્રાધાન્યતા આપી સ્થાનિક નાગરિકોને રોજગારી મળે તે આવકાર્ય છે : સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા
–
પોસ્ટ ઓફિસની વિમા યોજના જેવી કલ્યાણકારી યોજનાઓ આફતના સમયે આશિર્વાદ બને છે : સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.16: તાપી જિલ્લાના સેવાસદનના ખાતે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ “ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી “દિશા”ની બેઠકમાં ઉપસ્થિત સૌને સંબોધન કરતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં કોઇ ઇન્ડસ્ટ્રી નથી ત્યારે સ્થાનિક લોકો ટેન્ડરીંગ કરે તો તેઓને પ્રાધાન્યતા આપી સ્થાનિક નાગરિકોને રોજગારી મળી રહે તેવા સંવેદનશિલ નિર્ણયો આવકાર્ય છે એમ જણાવી વિવિધ વિભાગને તેવું આયોજન કરવા અનુરોધ કર્યો હતો.
આ સાથે મનરેગા હેઠળ મળેલી મટીરયલની ગ્રાંટ તમામ તાલુકાને સરખે ભાગે મળે, સરકારશ્રીની ગાઇડલાઇન પ્રમાણેનો રેશિયો જળવાઇ તથા કામોમાં ગુણવત્તા જળવાઇ રહે તે પ્રમાણે તકેદારી રાખવા ખાસ સુચનો કર્યા હતા.
આ સાથે કુકરમુંડા તાલુકાનું ઝુમકતી ગામે ઘણા વર્ષ પહેલા ઘરો પાણીમાં તણાઇ ગયા હતા. આ બાબતે ઘર વિહોણા લોકોને પોતાનું ઘર મળે તેવું આયોજન કરવા, તમામ તાલુકાઓમાં કોઇ પણ પ્રોજેક્ટ મુકાય ત્યારે તાલુકાની પ્રજાને અનુરૂપ પ્રોજેક્ટ મંજુર કરવામાં આવે, જિલ્લામાં સ્વચ્છતાને લગતા ખુટતા સંસાધનો અંગે, તાલુકા અને નગરના સ્થળે જાહેર જગ્યાઓ ઉપર કચરા પેટી મુકવા, લાઇટના થાંભલા ઉપર વિંટળાઇ જતા વેલાઓને દુર કરવા, પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં પુરતી ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ હોય તે સુનિશ્વિત કરવા, આંગણવાડીમાં કુપોષિત બાળકોને રેડ ઝોન માંથી યલ્લો ઝોનમાં લાવવા માટે બાબતે વિવિધ રચનાત્મક સુચનો કર્યા હતા.
સાંસદશ્રીએ પોસ્ટ ઓફિસની વિમા યોજના જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ આફતના સમયે આશિર્વાદ બને તેવી યોજના છે. એમ જણાવી આ યોજનાઓ અંગે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સ્ટોલ દ્વારા પ્રચાર પ્રસાર કરવા અને લોકોને આ અંગે જાગૃત કરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેલા પુર્વ મંત્રીશ્રી નરેશભાઇ પટેલે વિકસિત ભારત સંકલપ યાત્રા અનુસંધાને રચનાત્મક સુચનો કરતા ઉપસ્થિત સૌને જણાવ્યું હતું કે, વિશ્વકર્મા યોજના, સહિત વિવિધ યોજના અને ખાસ કરીને પીએમજય કાર્ડ જેવા યોજનામાં લાભાર્થીઓને વધુમાં વધુ લાભ મળે, તમામ યોજનામાં 100 ટકા સિધ્ધિ મળે તેવા પ્રયાસ જિલ્લા તંત્રના હોવા જોઇએ એમ માર્ગદર્શન આપ્યું હતું.
આ બાબતને અનુસંધાને ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી અને ડો.જયરામભાઇ ગામીતે જિલ્લા વહિવટી તંત્રની કામગીરીની સરાહના કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ખુબ સારા કાર્યક્રમો થઇ રહ્યા છે. ગ્રામ્ય કક્ષાએ પદાધિકારીઓ સહિત વિવિધ ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ સ્વયં હાજર રહી કામો કરે છે તથા પ્રજા તરફથી પણ ખુબ સારો આવકાર મળી રહ્યો છે એમ જણાયું હતું. અંતે બન્ને ધારાસભ્યશ્રીઓએ વિકાસના તમામ કામોમાં તાપી જિલ્લો હંમેશા અગ્ર હરોળમાં રહે છે એમ પુર્વ મંત્રીશ્રી અને સાંસદશ્રીને રીવ્યું આપ્યો હતો.
સાંસદશ્રીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ વિવિધ યોજનાઓ, તથા ઉજ્જ્વલા યોજના, નગર પાલિકા, અન્ન પુરવઠા યોજના, પાણી પુરવઠા, સિંચાઇ, ખેતીવાડી, આરોગ્ય, રેલવે, આઇસીડીએસ, ઉદ્યોગ કેન્દ્ર, વિજપુરવઠા, ટેલિકોમ, રેલ્વે અને હાઇવે વિભાગની કામગીરીની વિગતવાર ચર્ચા કરી વિસ્તૃત સમીક્ષા કરીને જરૂરી સુચનો કર્યા હતા.
કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગે તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન.શાહે સંબંધિત અધિકારીશ્રીઓને સાંસદશ્રી દ્વારા સુચવેલ બાબતોને ગંભીરતાપુર્વક લઇ જરૂરી કામગીરી કરવા સુચના આપી હતી.
આ ઉપરાંત શાળા અને આંગણવાડીમાં નવા ઓરડાઓ મંજુર કર્યા અંગે, નવી આંગણવાડીઓ મંજુર કરી, તથા વિશ્વ કર્મા યોજનામાં લાભાર્થીઓની નોંધણી કરવામાં તાપી જિલ્લો રાજ્ય કક્ષાએ બીજા ક્રમે છે આ બાબત કલેકટરશ્રી જણાવતા સાંસદશ્રીએ વિવિધ વિભાગોની સરાહનિય કામગીરી અંગે પ્રસંશા કરી તાપી જિલ્લા તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
બેઠકનું સંચાલન ડીઆરડીએ નિયામકશ્રી સંદિપ ગાયકવાડે કર્યું હતું.
બેઠકમાં પુર્વ મંત્રીશ્રી નરેશ પટેલ, ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી, ડો.જયરામભાઇ ગામીત, મોહનભાઇ ઢોડિયા, સહિત તાલુકા અને જિલ્લા કક્ષાએથી આવેલ પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ, ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦