‘મોદીની ગેરંટી વાડી ગાડી’ વંચિતોને લાભ અપાવવા આપણા ઘર આંગણે પહોચી છે.- જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા
“ઉચ્છલ તાલુકો: વિકસિત ભારત સંકલ્પ યાત્રા”
–
*ઉચ્છલ તાલુકાના આરકાટી ગામે પહોચી વિકસિત ભારત સંકલ્પ યાત્રા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : .તા.15: રાજયના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા તથા નબળા વર્ગના લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ નાગરીકો સુધી પહોંચાડવા સમગ્ર દેશમાં આરંભાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના આરકાટી ગામે આવી પહોચતા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર રથના વધામણા કરાયા હતા.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશનો સંપૂર્ણ વિકાસ થાય, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં સરકારની દરેક યોજનાઓનો સંપૂર્ણ રીતે અમલ થાય, દરેકને લાભો અને જાણકારી મળે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે એમ જણાવતાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાએ સ્થાનિક લોકબોલીમાં કહ્યું હતું કે, સામાન્ય નાગરિકને અનેકવિધ યોજનાઓનો સંપૂર્ણ લાભ મળે એ પ્રધામંત્રીશ્રીનું સ્વપ્ન છે. આ સ્વપ્ન પુરું કરવા આપણે પહેલા તાપી જિલ્લાને ‘વિકસિત’ બનાવવો પડશે. ત્યારે, આપણે કર્તવ્યનિષ્ઠ નાગરિક તરીકે આપણી ફરજો બજાવી ભારત દેશના વિકાસમા સહભાગી થઇએ એમ પ્રમુખશ્રીએ આહવાન કર્યું હતું.
વધુમાં તેમણે ‘મોદીની ગેરંટી વાડી ગાડી’ વંચિતોને લાભ અપાવવા આપણા ઘર આંગણે પહોચી છે ત્યારે સૌ કોઇ આ અંગે જાગૃત બની વિવિધ યોજનાનો લાભ લે તે જરૂરી છે એમ ઉમેર્યું હતું.
કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ડો. જયરામભાઇ ગામીતે પ્રાસંગિક ઉદ્વબોધન કરતા જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા છેવાડાનાં માનવી સુધી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આપણે આ કાર્યક્રમા સહભાગી થઇ વિકસિત ભારત સાથે ‘વિકસિત તાપી’ બનાવવા સક્રિય પ્રયાસો હાથ ધરવા જોઇએ.
મહાનુભાવોના હસ્તે સેવટી અને આરકાટી ગ્રામપંચાયતને નલ સે જલ યોજનામાં ગ્રામ પંચાયતમાં ૧૦૦% નળ જોડાણ અને ‘ઓફિએફ પલ્સ’ મોડેલ ગામ તરીકે પસંદગી પામવા બદલ પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયાં હતાં. કાર્યક્રમના સ્થળે વિવિધ યોજનાઓના સ્ટોલ દ્વારા નાગરિકોને યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગે વડાપ્રધાનશ્રીનો સંદેશ, સંકલ્પ વિડિયો, વિકાસ યાત્રાની ફિલ્મ સહિત વિવિધ યોજનાઓની ફિલ્મનું પણ આ પ્રસંગે નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રંસંગે ગરીબ કલ્યાણ અન્ન યોજના, ટીબી ચેમ્પિયન, ઉજ્જ્વલા યોજના, પીએમ કિશાન યોજના, આયુષ્માન ભારત યોજના, અને સંકલિત બાળ વિકાસ યોજનાના લાભાર્થીઓએ પોતાની સાફલ્યગાથા રજૂ કરી હતી.
ઉચ્છલ તાલુકાના શેવટી અને આરકાટી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત, પ્રાર્થના, ધરતી કહે પુકાર કે, આદિવાસી નૃત્ય અને એક પાત્રિય અભિનય રજુ કર્યુ હતું. જેને મહાનુભાવોએ રોકડ રકમ આપી બાળકોની કલાને પ્રોત્સાહિત કરી શિક્ષકો અને બાળકોની મહેનતની પ્રસંશા કરી હતી.
કાર્યક્રમમાં વિવિધ ગામોના સરપંચશ્રી, શાળાના આચાર્યશ્રી સહિત શિક્ષકગણ અને ગામના સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ, અધિકારી-કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦