ઝોન કક્ષાનાં કલા ઉત્સવમાં ઓલપાડનાં રાજનગર પ્રાથમિક શાળાની પ્રિયા રાઠોડ ઝળકી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વિવિધ કૌશલ્યનાં વિકાસનાં ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા તથા પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવાનાં હેતુસર જીસીઈઆરટી, ગાંધીનગર દ્વારા કલાઉત્સવનું આયોજન કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભરૂચ દ્વારા ઝોન કક્ષાનાં કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
સદર કલા ઉત્સવમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ પૈકી ચિત્ર સ્પર્ધામાં ઓલપાડ તાલુકાની રાજનગર પ્રાથમિક શાળાની ધોરણ- 8 માં અભ્યાસ કરતી પ્રિયા વિનોદભાઈ રાઠોડે તૃતિય ક્રમે વિજેતા બની શાળા, ગામ તેમજ તાલુકાનું નામ રોશન કરેલ છે. તેણીને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે ટ્રોફી તથા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યાં હતાં.
શાળાનાં આચાર્ય જતીન પટેલ માર્ગદર્શિત આ દીકરીને ગામનાં સરપંચ મેલજીભાઈ રાઠોડ, ઉપસરપંચ કમલેશસિંહ રાઠોડ, એસ.એમ.સી. અધ્યક્ષ કૌશલ્યાબેન રાઠોડ, સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ પટેલ, કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાનાં શિક્ષકો સહિત ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં.