કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા સીએસઆર યોજના અંતર્ગત આયોજિત આસપાસના ગામોની કન્યાઓ/મહિલાઓ માટે સીવણ તાલીમવર્ગનું સમાપન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, કાકરાપાર અણુવિદ્યુત મથકની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) યોજના હેઠળ વિવિધ પ્રવૃત્તિઓનું સાઇટ ડાયરેકરશ્રી સુનિલ કુમાર રોયના માર્ગદર્શન હેઠળ અધ્યક્ષ સી.એસ.આર. સમિતિ શ્રી એન.જે. કેવટના નેતૃત્વમાં નિરંતર આયોજન કરવામાં આવે છે. એ જ ઉપલક્ષમાં કૌશલ્ય વિકાસ કાર્યક્રમ અંતર્ગત વ્યારા તાલુકાનાં ઉંચામાળા ગામ ખાતે આસપાસન વિસ્તારની કન્યાઓ/મહિલાઓ સ્વનિર્ભર થાય એવા ઉદ્દેશ સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, તાપી- વ્યારાના સહયોગથી સીવણ તાલીમવર્ગનું આયોજન કરવામાં આવેલ હતું જેનો સમાપન સમારોહ તારીખ ૧૨/૧૨/૨૦૨૩ ના રોજ યોજવામાં આવેલ હતો. આ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ૨૫ કન્યાઓ/મહિલાઓને કાકરાપાર અણુવિદ્યુત મથકના સાઇટ ડાયરેકરશ્રી સુનિલ કુમાર રોયના વરદ હસ્તે પ્રમાણપત્ર અને વિનામુલ્યે સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા જેથી તેઓ સ્વરોજગારી મેળવી પોતાન આવકમાં વધારો કરી પોતાનું જીવનધોરણ ઊંચું લાવી શકે.
આ પ્રસંગે ઉપસ્થિત મહિલાઓને સંબોધતા શ્રી સુનિલ કુમાર રોયે જણાવ્યુ હતું કે, કૌશલ્યવર્ધન કાર્યક્રમ અંતર્ગત અમો વિવિધ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ પરંતુ મહિલાઓ માટેના આવા તાલીમ કાર્યક્રમોનું વિશેષ મહત્વ છે કારણ કે તેઓ પોતે તો સ્વનિર્ભર થશે જ સાથો સાથ પોતાના પરિવારને પણ મદદરૂપ થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતું કે આ તાલીમમાં પ્રાપ્ત કરેલ સીવણ કૌશલ્યને પોતાની મહેનત અને સમજથી શ્રેષ્ઠતા તરફ લઈ જવાનો પ્રયાસ કરો જે કોઈ પણ ક્ષેત્રમાં આજના સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા માટે જરૂરી છે.
આ તાલીમ અંગે પોતાનો અભિપ્રાય આપતા તાલીમાર્થી બહેનોએ સંતોષની લાગણી સહ કાકરાપાર અણુવિદ્યુત મથક પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે કાકરાપાર અનુવિદ્યુત મથકના ઇન્ચાર્જ અધ્યક્ષ સી.એસ.આર. સમિતિ શ્રી બી. શ્રીધર, મેનેજર(એચ.આર.) શ્રી અરવિંદ ભટ્ટ, સહા. જન સંપર્ક અધિકારી શ્રી ઇતેશ ગામીત, જિલ્લા રોજગાર અધિકારી શ્રી વિનોદ ભોયે, કેરિયર કાઉન્સેલર શ્રી વિનોદ મરાઠે તેમજ તાલીમાર્થી કન્યાઓ/મહિલાઓ ઉપસ્થિત રહયા હતા.