તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર વધે તેવા આયોજન જરૂરી.- કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગ
તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ અંગે સમિક્ષા બેઠક યોજાઇ
–
તાપી જિલ્લામાં ચાલતી ગૌ શાળાઓના સહયોગથી દેશી ગાયના છાણ અને ગૌ મુત્રમાથી જીવામૃત,ઘનજીવામૃત,બિજામૃત જેવા પ્રાકૃતિક ખાતરો બનાવવા અનુરોધ કરતા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨ તાપીમાં જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહની ઉપસ્થિતીમાં પ્રાકૃતિક કૃષિ અંગેની સમિક્ષા બેઠક યોજાઇ હતી.
કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગે અધ્યક્ષસ્થાનેથી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર વધે તેવા આયોજન જરૂરી છે. વધુંમા તાપી જિલ્લામાં આવેલી એપીએમસી માર્કેટોમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને સ્ટોલ ફાળવવામાં આવે તે પ્રકારનું આયોજન કરવા જિલ્લા ખેતી વાડી,આત્મા પ્રોજેક્ટ અને એપીએમસીના સભ્યોને જણાવ્યું હતું.
વધુંમાં કલેકટરશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન મુજબ તાપી જિલ્લામાં ચાલતી ગૌ શાળાઓમાં દેશી ગાયના છાણ અને ગૌ મુત્રમાથી જીવામૃત,ઘનજીવામૃત,બિજામૃત જેવા ખાતરો બનાવવામાં આવે અને તાપી જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને વેચાણ કરવામાં આવે તો ખેડુતોને પ્રાકૃતિક ખાતર અને ગૌ શાળાઓને આર્થિક ઉપાર્જનમાં પણ મદદ થશે,અને તેના માટે ગૌ શાળાઓમા ખાતર બનાવવાની પ્રક્રિયા પણ બતાવવામાં આવશે એમ ઉપસ્થિત ગૌ શાળાના પ્રતિનિધિઓને જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે સંબંધિત અધિકારીઓને પ્રાકૃતિક ખેતીની તાલિમમાં વધુમાં વધુ ખેડૂતોને જોડવા અને પ્રાકૃતિક ખેતીના ફાયદા અંગે નાગરિકોને અવગત કરવા માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રી અલ્કેશ પટેલ દ્વારા તાપી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ચેતન ગરાસિયા, નાયબ બાગાયત નિયામકશ્રી તુષાર ગામીત,કેવીકેના અધિકારીશ્રી સીડી પંડ્યા,નાયબ પશુપાલન અધિકારી, ડિસ્ટ્રીક્ટ લીડ બેંક મેનેજર રસિકભાઈ જેઠવા, ખેડૂત તાલીમ કેન્દ્રના અધિકારીશ્રી,એપીએમસીના સભ્યો,ગૌશાળાના પ્રતિનિધીઓ સહિત આત્મા પ્રોજેક્ટના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
000