ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીના અધ્યક્ષસ્થાને ડોલવણ તાલુકાના ઉમરવાવ નજીક ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો
ડોલવણ તાલુકો: ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’
–
તાપી જિલ્લામાં આગામી ૨૩ જાન્યુઆરી સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે
–
જિલ્લાની તમામ ૨૯૬ ગ્રામ પંચાયતોમાં રથ પરિભ્રમણ કરી સરકારની ૧૭ જેટલી યોજનાઓથી નાગરિકોને લાભાન્વિત કરશે
–
કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ છેવાડાના નાગરિક સુધી પહોંચે તે માટે ગુજરાત સરકાર હરહંમેશ કટીબદ્દ રહી છે- ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :.તા ૩૦ કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો દરેક ગામ સુધી પહોંચાડવાનું ભગિરથ કાર્ય એટલે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”. સમગ્ર રાજ્યમાં છેવાડાના માનવી સુધી સરકારશ્રીના તમામ લાભો પહોંચાડી શકાય તે હેતુથી દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર : ‘જનજાતીય ગૌરવ દિવસ’થી સમગ્ર દેશ ભરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જે અંતર્ગત આજરોજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઉમરવાવ નજિક ગામે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ 17 જેટલી કલ્યાણકારી યોજનાઓના લાભો મળવાપાત્ર તમામ લાભાર્થીઓ સુધી પહોંચે, સરકારની તમામ યોજનાની જાણકારી નાગરિકો સુધી પહોંચે અને જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓને તેમના ઘર આંગણે લાભાન્વિત કરી શકાય તેવા હેતુથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો શુભારંભ થયો છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજનનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના માનવી કે જે વિવિધ યોજનાઓનો લાભ લેવા પાત્ર છે પરંતુ લાભ મળ્યો નથી તેમના સુધી પહોંચવાનો છે. ઉપરાંત યોજનાઓની માહિતીનો પ્રચાર-પ્રસાર કરી નાગરિકોમાં જાગૃતિ લાવવા, સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેમના અનુભવ જાણવા તેમજ યાત્રા દરમિયાન નિશ્ચિત વિગતો દ્વારા સંભવિત લાભાર્થીઓની નોંધણી કરાવી તેમને પણ સરકારી યોજનાઓનો લાભ અપાવી ૧૦૦ ટકા લક્ષ્ય હાંસલ કરવાના ઉદ્દેશ સાથે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાવ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ છેવાડાના નાગરિક સુધી પહોંચે તે માટે ગુજરાત સરકાર હરહંમેશ કટીબદ્દ રહી છે. સરકારની યોજનાઓ જન જન સુધી પહોંચે માટે આગામી ૨૩ જાન્યુઆરી સુધી રથ આદિજાતિ વિસ્તારોમાં જઈને લોકોને લાભો આપશે.
વધુમાં તેમણે કેન્દ્ર સરકારની યોજનાનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજના જેના થકી ૧૦ લાખ સુધીની સારવાર નિશુલ્ક મેળવી શકે છે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાથી ગરીબોને નિશુલ્ક અનાજ આપવામાં આવે છે, ઉજ્જવલા યોજના લાવી ગેસના બાટલા આપીને મહિલાઓને ધુમાડામુક્ત કરી અનેક બીમારીઓથી બચાવી છે. પીએમ જીવન જ્યોત વીમામાં રૂપિયા ૧૨માં ૨ લાખનો વીમો આપી નાગરિકોની ચિંતા કરી છે એમ જણાવ્યું હતું. તેમણે ઉપસ્થિત સૌને તાપી જિલ્લાના વિકાસની સાથે ભારત દેશના વિકાસમાં સહભાગી થવા સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો.
નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંદિપ ગાયકવાડે સ્વાગત પ્રવચન કરતા યાત્રા અંગે વિગતવાર માહિતી આપી હતી. જેમાં તાપી જિલ્લાની ૨૯૬ ગ્રામ પંચાયતોમાં મહત્તમ લાભાર્થીઓને યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, અંતર્ગત દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની 22 જેટલી યોજનાઓ અંગે વિગતવાર જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ‘મેરી કહાની મેરી ઝુબાની’ અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાની સાફલ્યગાથા વર્ણવી હતી. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય, ચેક તથા કિટ વિતરણ કરી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. પોતાના ક્ષેત્રમાં સારી કામગીરી કરનાર મહિલાઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બેડારાયપુરા ગામને ‘મોડેલ ગામ’ બનવા માટે અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વિકસિત ભારત અંગેની શપથ ગ્રહણ કરી હતી. કાર્યક્રમમાં વિવિધ યોજનાના સ્ટોલ તથા મેડિલક હેલ્થ કેમ્પનું સુદ્રઢ આયોજન જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ડોલવણ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વિવિધ અધિકારી-પદાધિકારીઓ,સરપંચશ્રીઓ, વિવિધ યોજનાના લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું.
૦૦૦૦૦